સફેદમાખી:સફેદમાખી:
---------
પુખ્ત માખી ૧ થી ૧.૨૫ મી.મી. લંબાઇ અને ૦.૫ મી.મી. જેટલી પહોળાઇ ધરાવે છે. તેની પાંખો સફેદ મીણ જેવી હોય છે. માદા પાનની નીચેની બાજુએ સફેદ રંગના ગોળ ઈંડાં છૂટાછવાયાં કે સમૂહમાં મૂકે છે. તેમાંથી નીકળતા બચ્ચાં પાન પર યોગ્ય સ્થાન મળતાં ત્યાં જ ચોંટી પોતાનાં મુખાંગો ખોસી રસ ચૂસે છે. વધુ પડતો ઉપદ્રવ વખતે રસ ચૂસાતાં પાન કોકડાઇ જાય છે. કોશેટા પણ પાન પર જ ચીટકીને રહે છે. જે ગોળ અંડાકાર, રંગે બદામી કે કાળા અને ફરતે સફેદ ઝાલરવાળા હોય છે. મગ, મઠ અને ચોળામાં પીળો પચરંગીયો (મોઝેક)ના વિષાણુંજન્ય રોગ ફેલાવવામાં સફેદમાખી અગત્યનો ભાગ ભજવે છે. વધુ પડતા ઉપદ્રવ હોય તો બચ્ચાં પોતાના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ કાઢે છે. જેનાં લીધે છોડ દૂરથી ચળકતો દેખાય છે. જેને ખેડૂતો ‘મધિયો’ આવ્યો તેમ કહે છે. આ મધ જેવા પદાર્થ પર કાળી ફૂગની વૃધ્ધિ થાય છે. જે પ્રકાશસંશ્વલેષણની ક્રિયામાં અવરોધ પેદા કરે છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.
સંકલિત વ્યવસ્થાપન:
---------------
o જીવાતના પરભક્ષી કીટક જેવા કે એન્કાર્સીયા નામની ભમરી કોશેટાનો નાશ કરે છે.
o લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ (૧ ઇસી) થી ૪૦ મિ.લિ (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
o એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લિ અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.