લીલી ઇયળ:લીલી ઇયળ:
---------
આ જીવાતનું ફૂદું લીલાશ પડતા ભૂરા રંગનું, અગ્ર પાંખો ઝાંખી બદામી રંગની અને આગળની ધારની મધ્યમાં ગોળ ટપકું હોય છે. આ જીવાતની ઇયળમાં ઘણી જ વિવિધતા જોવા મળે છે. જે આછા ગુલાબી, પીળા, લીલી, બદામી કે કાળા રંગની હોય છે. આ જીવાતના શરીરની બંને બાજુ પર જોઇ શકાય તેવા ઉભા સફેદ પટ્ટા હોય છે. આ જીવાતની માદા ફૂદીંએ મુકેલ ઇંડાંમાંથી નિકળતી ઇયળ સૌ પ્રથમ કુમળા પાન કે શીંગો પર ઘસરકા પાડે છે. આ ઇયળો ઝડપથી વિકાસ પામી કળી, ફૂલ અને શીંગ પર ખાવાનું શરૂ કરી દે છે. આ જીવાત ઘણા પાકોમાં નુકસાન કરે છે, જે અતિશય ખાઉધરી અને બહુભોજી છે. કઠોળ પાકોની શીંગો/પોપટા બેસે ત્યારે તે પોપટા કે શીંગોમાં કાણું પાડી શરીરનો અર્ધો ભાગ શીંગોમાં દાખલ કરીને નુકસાન કરવાની ખાસિયત ધરાવે છે.
o ઉનાળામાં જમીનને સારી ખેડ કરી તપવા દેવી. ખેડવાથી જમીનમાં રહેલા કોશેટા બહાર આવવાથી ઉનાળાની સખત ગરમીથી નાશ પામશે તથા પરભક્ષી પક્ષીઓથી ભક્ષણ થશે.
o લીલી ઇયળ બહુભોજી હોવાથી શેઢા-પાળાનાં નીંદણ તથા અન્ય વનસ્પતિ ઉપર પાકોની ગેરહાજરીમાં નભતી હોય છે. તેથી આવા નીંદણનો નાશ કરવો.
o મધ્યમ મોડી પાકતી તુવેરની જાતો આઇસીપીએલ-૩૩૨, આઇસીપીએલ-૮૪૦૬૦ અને આઇસીપીએલ-૨૭૦ માં લીલી ઇયળનો ઉપદ્રવ ટી- ૧૫-૧૫, બીડીએન-૨ અને પ્રભાત જાતોની સરખામણીમાં ઓછો જોવા મળે છે.
o લીલી ઈયળની ફૂદીં પીળા રંગ તરફ આકર્ષાતી હોય છે જેથી ચણા તેમજ તુવેર જેવા પાકોમાં ખેતરો ફરતે તેમજ પાકની વચ્ચે છુટાછવાયા ગલગોટાનું વાવેતર કરવાથી લીલી ઈયળની માદા ફૂદીં પીળા ફૂલ તરફ આકર્ષાઈને ત્યાં ઈંડાં મુકે છે.
o કઠોળ પાકોમાં લીલી ઈયળના ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ ની સંખ્યામાં લગાવવાથી તેમાં નર ફૂદાં પકડાય છે. આમ ખેતરમાં નર ફૂદીંની સંખ્યામાં ઘટાડો થવાથી માદા ધ્વારા જે ઈંડાં મુકાય તે અફલિત રહે છે. આમ, પેઢી દર પેઢી તેનો ઉપદ્રવ ઘટતો જાય છે. આ પધ્ધતિનો અમલ સામુહિક ધોરણે કરવાથી સારા પરિણામ મેળવી શકાય.
o ફેનાવાલરેટ ૨૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ફેનાવાલરેટ ૦.૪% ભૂકી ૨૫ કિ.ગ્રા./હે પ્રમાણે ઉપયોગ કરવાથી લીલી ઈયળ તેમજ સામે રક્ષણ મેળવી શકાય.
o કઠોળ પાકોમાં કેટલીક જીવાતોની પુખ્ત અવસ્થા નિશાચર હોવાથી તે પ્રકાશ તરફ આકર્ષાય છે. ખેતરમાં જ્યાં લાઈટની વ્યવસ્થા થઈ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક દવાના ૧ થી ૨ ટીપા નાખવા. રાત્રિ દરમ્યાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂદીંઓ પાણીમાં પડતા તેનો નાશ થશે. આ પધ્ધતિ ખાસ કરીને લીલી ઈયળ, લશ્કરી ઈયળ, કાતરા, ઉધઈ વગેર માટે ખુબ જ ફાયદાકારક પૂરવાર થયેલ છે.
o ગુચ્છાવિહીન જાતોમાં ગુચ્છાવાળી જાતો કરતા લીલી ઈયળનો ઉપદ્રવ ઓછો હોય છે. આથી જ્યાં ઉપદ્રવ વધારે હોય ત્યાં ગુચ્છા વગરની જાતોનું જ વાવેતર કરવું. લીલા ભૂખરા પટ્ટીવાળી શીંગોમાં લીલી શીંગો કરતાં ઓછું નુકસાન જોવા મળે છે.
o ઉભા પાકમાં લીલી ઇયળનું એનપીવી ૨૫૦ એલઇ પ્રતિ હેક્ટરે જરૂરી પાણીનાં જથ્થામાં ઉમેરી છંટકાવ કરવો. એનપીવી પર સીધા સૂર્ય પ્રકાશની માઠી અસર થતી હોઇ તેનો છંટકાવ દિવસના ઢળતા પહોરે કરવો.
o બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંયુકત પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી તંદુરસ્ત લીલી ઇયળને રોગ લાગુ પાડી વસ્તીમાં ઘટાડો કરી શકાય.
o કાળિયો કોશી, કાબર, બૈયા, ચકલી, મેના વગેરે ખેતરમાં ઉડતી લીલી ઈયળની ફૂદીંઓ તેમજ છોડને નુકસાન કરતી લીલી ઈયળોનું ભક્ષણ કરતા હોય છે. ચણા જેવા પાકમાં આ પક્ષીને શિકાર શોધવામાં સરળતા રહે તે માટે ઉભા પાકની વચ્ચે પાકથી થોડી વધુ ઉંચાઇ હોય તેવા ઝાડના સૂકા ડાળા રોપી દેવા જોઇએ જેથી પક્ષીઓને બેસવામાં સરળતા રહે. આ બેલીખડા હેક્ટર દીઠ ૫૦ની સંખ્યામાં મુકવા.
o લીબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૨ થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે.