ઘોડીયા ઈયળ:ઘોડીયા ઈયળ:
-----------
ફૂદીં મજબૂત બાંધાની રાખોડીયા રંગની હોય છે. જેની અગ્રપાંખ બદામી રંગની અને પાછળની પાંખ ઘેરા રંગની હોય છે, જેમાં વચ્ચે સફેદ ટપકાં હોય છે. નાની ઈયળો પાનને કોરે છે પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. વધુ ઉપદ્રવમાં માળ અને ડોડવા પણ કોરી ખાય છે. ફૂદાં રાત્રે લીંબુ વર્ગના ફળનો રસ ચૂસી નુકસાન કરે છે. ઉનાળામાં ઘોડીયા ઈયળ બોરડીના પાન ખાઈને જીવે છે.
o દિવેલાની કાપણી બાદ હળની ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ ઘોડીયા ઈયળ, સ્પોડોપ્ટેરા અને કાતરાના કોશેટા જમીનની બહાર આવી જાય છે. જેથી સૂર્યના સખત તાપથી તેમજ પક્ષીઓના ખાઈ જવાથી નાશ પામે છે.
o દિવેલાની વાવણી ઓગષ્ટના પ્રથમ પખવાડીયામાં કરવાથી ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે.
o દિવેલાની ઘોડીયા ઈયળ, પાન ખાનારી ઈયળ અને કાતરાની પુખ્ત ફૂદીંઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવીને ફૂદીંઓને મોટી સંખ્યામાં આકર્ષીને કેરોસીનવાળા કે જંતુનાશક દવાવાળા પાણીમાં ભેગા કરીને અથવા તાપણાં કરી નાશ કરી શકાય.
o દિવેલાની ઘોડીયા ઈયળ પર ૨૭ પ્રકારના પરજીવીઓ નભતા હોય છે. તેમાં ટ્રાયકોગ્રામા ચીલોનીસ, ટ્રાયકોગ્રામા અકાઈ અને ટીલોનીમસ સ્પી. નામની ભમરીઓ ઘોડીયા ઈયળમા પરજીવી તરીકે અગત્યની છે. ગુજરાત રાજયમાં આ પરજીવીઓથી ૪૪ થી ૧૦૦ ટકા પરજીવીકરણ નોંધાયેલ છે. ખેતરમા ફૂદીંઓની હાજરી જણાતા ટ્રાયકોગ્રામા નામની ભમરીઓ દર અઠવાડીયે એક લાખ પ્રમાણે હેકટર દીઠ છોડવાથી સારુ પરિણામ મળે છે.
o બેસીલસ થુરેન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુંનો પાવડર ૧ થી ૧.૫ કિ.ગ્રા./હે જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડીયા ઈયળ જોવા મળે ત્યારે છંટકાવ કરવો.
o ઘોડીયા ઈયળ અને કાતરાના એન. પી. વી. થી પણ પ્રોત્સાહક પરિણામો મળેલ છે.
o દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય ત્યારે ખેતરમાં કુદરતી રીતે પક્ષીઓથી તેનું ભક્ષણ થતું હોય છે. આમ આવા કીટકભક્ષી પક્ષીઓ જેવા કે મેના, વઈયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૩૦ થી ૪૦ બેલાખડા પ્રતિ હેકટરે ખોડવા જોઈએ.
o દિવેલાના પાકમાં ઘોડીયા ઈયળની સંખ્યા છોડ દીઠ ૪ થી વધુ હોય તો તેના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.