વાવણી સમય :-
--------------
ભીંડાના પાકની મુખ્ય ઋતુ ચોમાસુ અને ઉનાળુ છે. ચોમાસામાં વાવણી જુન માસના ત્રીજા અઠવાડિયાથી જુલાઈ માસના બીજા અઠવાડિયા દરમ્યાન અને ઉનાળા માટે ફ્રેબુઆરીના બીજા અઠવાડિયાથી લઈ માર્ચના બીજા અઠવાડિયા સુધી વાવણી કરી શકાય. આ સિવાય શિયાળુ ઋતુમાં વાવેતર કરવુ હોય તો ભીંડાના પાકના વાનસ્પતિક વિકાસ માટે ૩૦ થી ૪૦ દિવસ ઠંડી શરૂ થાય એ પહેલા મળે એ રીતે વાવેતર કરવું કે જેથી એનો વિકાસ બરાબર થવાથી ઉત્પાદન પર માઠી અસર ન પડે. જેમ મોડુ વાવેતર કરશો તો એનો વિકાસ બરાબર ન થવાને કારણે ઉત્પાદન ખુબજ ઓછુ મળશે અને રોગ જીવાતના પ્રશ્નો પણ ખુબ આવે છે.માટે શિયાળાની ઋતુમાં ભીંડાનો પાક આપણે સારા બજારભાવ લેવા માટે જ કરીએ છીએ તો મિત્રો આપણે ચોમાસાની ઋતુમાં એવો પાક લઈએ કે જે ઓકટોબરના પહેલા અઠવાડિયામાં નિકળી જાય અને આપણે ભીંડાનું વાવેતર ઓકટોબરના બીજા-ત્રીજા અઠવાડિયામાં તો કમસે કમ કરીએ તો એના વિકાસ માટે ગરમીના દિવસો મળી રહે અને ભીંડા વિકાસ સારો થવાથી ઉત્પાદન સારૂ મેળવી શકાય.
બીજ માવજત :-
--------------
ભીંડામાં શરૂઆતમાં આવતાં ચુસિયા પ્રકારની જીવાતના રક્ષાણ માટે ૧ કિલો બીજને ૭.પ ગ્રામ ઈમીડાકલોરપ્રીડ દવા ભેળવીને બીજ માવજત આપવી અને જો શરૂઆતમાં બાવીસ્ટીન દવા ૦.ર % એટલે ર ગ્રામ દવા ૧ કિલો બીયારણમાં ભેળવી બીજ માવજત આપવાથી સૂકારાનાં રોગ આવતો અટકાવી શકાય. આ ઉપરાંત જૈવિક ખાતરો એઝેટોબેકટર અને ફોસ્ફેટ કલ્ચરનો ઉપયોગ બીજ માવજતમાં ઉપયોગ કરવાથી ઓછા ખાતરે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
વાવણી પધ્ધતિ અને બીજ દર:-
------------------------
ભીંડાની વાવણી થાણીને કરવામાં આવે છે સંકર જાતોનું બીજ સુધારેલી જાતો કરતા વધારે મોઘું હોવાથી તેનું વાવેતર હંમેશા થાણીને કરવાથી હેકટરે ઓછામાં ઓછા બીજનો ઉપયોગ કરીને બીજ પાછળનો ખર્ચ ઘટાડી શકાય છે. ભીંડાનું વાવેતર મુખ્યત્વે ચોમાસુ અને ઉનાળુ ઋતુ ને ધ્યાને લઈ કૃષિ યુનિવર્સીટી દ્રારા બે હાર વચ્ચે ૪પ થી ૬૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૩૦ સે.મી.ના અંતરની ભલામણ કરેલ છે. શિયાળામાં વાવેતર વખતે બે છોડ વચ્ચે ર૦ સે.મી. જેટલું અંતર રાખવું. બિયારણનું પ્રમાણ થાણીને વાવેતર કરવા માટે હેકટરે ૪ થી ૬ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે તેમ છતાં બીજના દરનો આધાર ઉગાવાના ટકા, વાવણીનો સમય, વાવણીની રીત, વાવણી અંતર જમીનનો પ્રકાર વગેરે પર રહેલો છે.
પિયત પાણીની અછતવાળા વિસ્તારમાં જોડિયા હાર પધ્ધતિ (૩૦ સેમી.× ૩૦ સે.મી. ×૬૦ સે.મી.) થી વાવેતર કરી ટપક પિયત પધ્ધતિથી ૪પ ટકા પાણીનો બચાવ કરી ૦.૮૦ હેકટર વધારાનો વિસ્તાર પિયત હેઠળ આવરી શકાય છે. જેમાં ૯૦ સે.મી. નાં અંતરેપ્રશાખાઓ ગોઠવી અને દરેક પ્રશાખા ઉપર ૬૦ સે.મી. ના અંતરે ૪ લિ. / કલાકના પ્રવાહ દરના ટપકણિયાં ગોઠવી આંતરે દિવસે સરેરાશ અડધાથી એક કલાક સુધી પાણી આપવું.