રોગ ની ઓળખઆપણા રાજયમાં આ રોગ સૌ પ્રથમ સને ૧૯૮પ દરમ્યાન શેરડીની સીઓસી-૬૭૧ જાતમાં જોવા મળેલ હતો અને ત્યારબાદ આ રોગનો વિસ્તાર અને માત્રા ધીરે ધીરે વધતા ગયા અને શેરડીની અન્ય જાતો જેવી કે કો.૬૩૦૪, કો.૭પર૭, કો.૪૧૯, કો.૬ર૧૭પ માં પણ જોવા મળેલ છે. આ રોગ ફયુઝેરીયમ મોનીલીફોમર્ી અને સેફેલોસ્પોરીયમ સેકેરી નામની ફુગથી થાય છે. દક્ષિાણ ગુજરાતમાં મોટે ભાગે સુકારો ફયુઝેરીયમ મોનીલીફોર્મી થી થતો જણાયેલ છે. આ રોગનો પ્રાથમિક ચેપ બિયારણ તેમજ જમીન મારફતે આવે છે. ખેતરમાં રોગના ચેપનો ફેલાવો મોટા ભાગે પાણી અને જમીન મારફતે થાય છે. જમીનમાં રોગનો ચેપ બે વર્ષે કરતાં પણ વધુ સમય જીવંત રહે છે.
રોગના લક્ષણો અને ઓળખ:
---------------------
રોગની શરૂઆતમાં બાહય લક્ષાણો દેખાતા નથી. પરંતુ રોગની અસરવાળા સાંઠા ફાડીને જોતા તેની નીચેની બે થી ત્રણ પેરનો દોરો સહેજ પહોળો, દબાયેલો અને આછા સફેદ રંગનો થયેલો જણાય છે. આવા છોડના પાન લીલા જ દેખાય છે. આ લક્ષાણો ઘણાં અનુભવથી ખ્યાલમાં આવે છે. આ રોગના સ્પષ્ટ લક્ષાણો તો રોગની તીવ્રતા વધે અને પાક ૬ થી ૮ મહિનાનો થાય પછી જ ખ્યાલમાં આવે છે. ખાસ કરીને ચોમાસુ શરૂ થયા બાદ ૧પ થી ર૦ દિવસમાં રોગ ખુબ ફેલાતો અનુભવાય છે. રોગ લાગેલ છોડના પાન ધીરે ધીરે નીચેથી ઉપરની તરફ પીળા થઈ સુકાતા જાય છે. છોડની વૃદિધ અટકે છે અને પેર નાની રહી જાય છે. સાંઠો અંદરથી મેલો પડી ધીરે ધીરે રેસાવાળો અને પોલો થતો જાય છે. જે વજનમાં હલકો પડતો જાય છે. મૂળ કાળા પડીને સડી ગયેલા જણાય છે. ઘણીવાર અસરયુકત સાંઠાની પેર ઉપર ઉભા ચીરા/ફાટ પડે છે. આવા સાંઠાને ફાડીને જોતા બે ગાંઠ વચ્ચેનો ભાગ પોલો, ત્રાકાકાર ફાટ પડી ગયેલો, રેસાવાળો અને છીંકણી રંગનો થયેલો જણાય છે. આ રોગનું ખાસ ઓળખ ચિન્હ છે. ઘણીવાર જમીનની અંદર રહેલ સાંઠાના ભાગમાં મૂળ વેધક (રૂટ બોરર) અને કૃમિ (નેમેટોડ)ના સુક્ષમ ઝખમો પેદા કરે છે. આ બંને પરીબળો રોગની ફુગને સાંઠાની અંદર દાખલ થવા માટે પ્રવેશ ધ્વાર કરી આપે છે અને રોગની ત્રીવતા વધારે છે. ખેતરમાં રોગની તીવ્રતા પ્રમાણે ૧૦ થી ૮૦ ટકા જેટલું નુકશાન થાય છે અને સાંઠામાં રસનું તેમજ ખાંડનું પ્રમાણ ખુબજ ઘટી જાય છે. લામ પાકમાં વધારે નુકશાન થાય છે.
રોગને સાનુકૂળ પરિબળો:
------------------
ઉનાળામાં પાણીની ખેંચ, દિવસનું ઉંચુ ઉષ્ણતામાન, જરૂર કરતાં ઓછુ કે વધારે પિયત, ઓછા નિતારવાળી જમીન અને જમીનનો વધારે પીએચ ફુગને વધારે છે. વધારે પડતા નાઈટ્રોજનયુકત ખાતરોનો વપરાશ, જમીનમાં કૃમિ અને વેધકોનું વધારે પ્રમાણ, આજુબાજુના રોગવાળા ખેતરોમાંથી પાણી આવવું, રોગગ્રાહય જાતોનું બહોળા પ્રમાણમાં વાવેતર, રોગિષ્ટ પાકનો લામ રાખવો અને જમીનમાં સેન્દ્રિય ખાતરોનો ઓછો વપરાશ જેવા પરીબળો રોગ વધારે છે.
નિયંત્રણ:
------
• સુકારા રોગ પ્રતિકારક જાતો વાવવી જેવી કે કો ૮૩૩૮, સીઓએલકે ૮૦૦૧,સીઓએન ૯૧૧૩ર, સીઓએન ૯પ૧૩ર, સીઓએન ૦૩૧૩૧, સીઓએન ૦પ૦૭૧ અને સીઓએન ૦પ૦૭ર.
• શેરડીના મોટાભાગના રોગો બીજજન્ય છે. જેથી તંદુરસ્ત બીજની પસંદગી એક સૌથી અગત્યનો અને પ્રાથમિક જરૂરી મુદૃો છે. શકય હોય ત્યાં સુધી ત્રિસ્તરીય પધ્ધતિથી ગરમીની માવજત આપીને તૈયાર કરેલ તંદુરસ્ત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો. સુગર ફેકટરી આ પધ્ધતિથી બિયારણ તૈયાર
કરી ખેડૂતોને આપે તો આ કામ શકય બને.
• શેરડીના સુકારા અને રાતડા રોગનાં જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડમર્ા વીરીડી અથવા ટ્રાયકોડમર્ા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ( ૮ ટન / હે.) ના દરથી ચાસમાં આપવું.
• બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમ.ઈ.એમ.સી. (ર ગ્રામ/લી) અથવા કાર્બેન્ડેઝીમ (૧ ગ્રામ/લી.)ના દ્રાવણમાં પ થી ૧૦ મિનીટ બોળી પછી કટકા રોપવા.
• ઉનાળામાં ઉંડી ખેડ કરવી. જેથી જમીનમાં રહેલ ચેપ ખુલ્લો પડે અને સૂર્યના તાપમાં તેનો નાશ થાય.
• વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહીં. વધારે પડતાં ખાતરો ખાસ કરીને નાઈટ્રોજનયુકત ખાતરો વાપરવાથી પાક વધારે રોગગ્રાહય બને છે. તેવી જ રીતે પાણીનો ભરાવો કે પાણીની ખેંચ રોગને નોતરે છે.
• લાંબાગાળાની પાક ફેરબદલી કરવી જોઈએ. સુકારા રોગગ્રસ્ત જમીનમાં ડાંગરના બે પાક (ઉનાળા અને ચોમાસુ), લીલો પડવાશ (ઢેંઈચા) કરી પછી શેરડી કરવી.
• રોગગ્રસ્ત જડીયાને મુળ સાથે ઉખાડી નાશ કરવો. તે જગ્યાએ જમીનમાં કાર્બેન્ડીઝમ ( ૧ ગ્રામ/લી.) દ્રાવણ બનાવી રેડવું આખા ખેતરમાં આ દવા નાંખવી આર્થિક રીતે પોષણક્ષમ ન હોવાથી સલાહભર્યુ નથી.
• સુકારા રોગનું પ્રમાણ તેની સાથે જો મૂળવેધક અને કૃમિ હોય તો વધે છે. જેથી જમીનમાં રહેલ કૃમિ તેમજ મૂળવેધકના નિયંત્રણ માટે કાર્બોફયુરાન દાણાદાર દવા (ફયુરાડાન, ૩૩કિલો/હેકટર) જમીનમાં બે વખત આપવી. પ્રથમ રોપણી બાદ ૩૦ દિવસે અને બીજી વખત પાળા ચઢાવતી વખતે આ દવા આપવી.
• રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામપાક રાખવો નહીં કારણ કે રોપાણ પાક કરતાં લામ પાકમાં રોગોનું પ્રમાણ વધે છે.
• રોગગ્રસ્ત ખેતરમાંથી તંદુરસ્ત ખેતરમાં પાણી આવવા દેવું નહીં.
• શકય હોય તો રોગગ્રસ્ત શેરડીની કાપણી જલ્દી કરવી.