વાવણી સમય અને પદ્ધતિ
--------------------------
વાવણી સમય :
જુલાઈથી ઓગષ્ટ મધ્ય સુધીમાં વાવણી કરવી. ઓગષ્ટ માસમાં વાવણી કરવાથી પાકને ઘોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવથી બચાવી શકાય છે. આમ છતા, જુદી જુદી જાતો પ્રમાણે ભલામણો નીચે પ્રમાણે છે.
બિનપિયત દિવેલાની વાવણી ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયે તુરત જ કરી દેવી. મોડી વાવણી કરવાથી ઉત્પાદન ઘટે છે.
૧. ચોમાસામાં બિનપિયત વાવેતર માટે વરસાદની શરૂઆતમાં પુરતા ભેજમાં વાવેતર કરવું.
ર. ચોમાસમાં પિયત વિસ્તાર માટે ૧ લી જુલાઈ થી ૧પ મી ઓગષ્ટ સુધી વાવેતર કરવું.
૩. રવી ઋતુમાં ૧ લી ઓકટોબરથી ૧૦ નવેમ્બર સુધી વાવેતર કરવું.
વાવણીનું અંતર જમીનની ફળદ્રુપતા આધારે રાખવું.
બિનપિયત : ૯૦ સે.મી. × ૪પ સે.મી.
પિયત : (૧) ૯૦ સે.મી. × ૬૦ સે.મી. - હલકી જમીન માટે.
(ર) ૧ર૦ સે.મી. × ૬૦ સે.મી. - ફળદ્રુપ જમીન માટે.
બીજનો દર તથા માવજત
----------------------------
બીજનો દર અને વાવણીનું અંતર :
ખેતરમાં છોડની સંખ્યા જળવાઈ રહે તે વધુ ઉત્પાદન માટે અતિ આવશ્યક છે. સામાન્ય રીતે વાવણી હાથથી થાણીને કરવામાં આવે છે. આ પધ્ધતિમાં હેકટરે ૬ કિલો બીજ પુરતું છે. હાથથી થાણીને કરવામાં આવે ત્યારે ર થી ૩ બીજ એક થાણાં દીઠ મુકવું જરૂરી છે, કારણ કે બીજનો ઓછો ઉગાવો થાય ત્યારે છોડની સંખ્યા જળવાઈ રહે. એકથી વધુ બીજ ઉગે ત્યારે નબળા છોડને કાઢી નાંખી થાણાં દીઠ એક છોડ રાખી પારવવું અતિ આવશ્યક છે. દિવેલાનાં બીજ ૧૦ થી ૧ર દિવસે ઉગી જાય છે, તેથી ખાલાં પડે તો તરત બીજ મુકી ખાલાં પુરવા.
બીજને વાવતા પહેલાં બીજજન્ય રોગોની ફુગની નાશ કરવા ફુગનાશક દવા બાવીસ્ટીન ર ગ્રામ અથવા થાયરમ ૩ ગ્રામ કિલો દીઠ બીજને પટ આપવાની ભલામણ કરવામાં આવે છે. બીજની ખરીદી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ. બિયારણ પ્રમાણિત હોવું ખુબજ જરૂરી છે, કારણ કે દિવેલા પાકમાં ઓછો ઉગાવો તેમજ બીજી જાતોનું મિશ્રણ જોવા મળે છે.