નાળિયેરીને 'કલ્પવૃક્ષ' અથવા 'સ્વર્ગના ઝાડ' તરીકે પણ ઓળખાય છે કારણ કે નાળિયેરીના બધા જ ભાગો જેવા કે મૂળ, થડ, પાન, પુષ્પવિન્યાસ, ફળ તથા ફળના વિવિધ ભાગોનો ઉપયોગ મનુષ્યના જીવનમાં તેમજ ઉદ્યોગમાં થાય છે. ગુજરાતમાં નાળિયેરીનું વાવેતર ર૦,૯૩ર હેકટર વિસ્તારમાં છે. નવસારી, વલસાડ, સુરત, જુનાગઢ, કચ્છ અને ભાવનગર જિલ્લાઓમાં નવું વાવેતર થવાની ઉજળી તકો છે.
ફેલાવો અને વિસ્તાર :
---------------
દુનિયાના ઉષ્ણકટિબંધના લગભગ ૮૦ દેશોમાં નાળિયેરનું વધતા ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં કુલ વાવેતરમાં ઈન્ડોનેશિયા પ્રથમ ક્રમે છે. ફિલિપાઈન્સ બીજા ક્રમે છે અને ભારત ત્રીજા ક્રમે આવેલ છે. ભારતમાં કેરળ રાજય ૬૦-૬પ ટકા વિસ્તાર અને ૪ર.૩ ટકા ઉત્પાદન સાથે પ્રથમ ક્રમે છે. અન્ય નાળિયેરી ઉગાડતા રાજયમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.