Navsari Agricultural University
જીવાતો :
------------

(૧) ચીકુની કળી કોરનાર ઈયળ :

આ જીવાત ની ઈયળ રતાશ પડતી ઘેરા બદામી રંગના માથાવાળી અને માથા પર સફેદ પટો ધરાવતી હોય છે. ઈયળ ચીકુની કળી તથા ફૂલમાં કાણાં પાડી અંદરનો ગર્ભ કોરી ખાય છે પરિણામે ફળો બેસતાં નથી.નવી પીલવણી વખતે કુમળા પાનને ખાઈને પણ નુકશાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ આખા વર્ષે દરમ્યાન જોવા મળે છે. પરંતુ ફેબ્રુઆરી થી જૂન મહિના દરમ્યાન નુકશાન વધતું જાય છે.

નિયંત્રણ :

આ જીવાતના નિયંત્રણ માટે ફેબ્રુઆરીના બીજા પખવાડીયાથી શરૂ કરીને એક મહિનાના અંતરે ૧૦ લિટર પાણીમાં ડાયકલોરવોશ ૩ મિ. લિ. પ્રવાહી દવાના ત્રણ છંટકાવ કરવા જોઈએ.

(ર) ચીકુ મોથ :

આ જીવાતની ઈયળ ઝાંખા લીલા અથવા બદામી રંગની હોય છે. સામાન્ય રીતે પાનનાં ઝૂમખાં બનાવી તેમાં ભરાઈને પાનનું હરિત દ્રવ્ય ખાઈને નુકશાન કરે છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કળી તથા ફૂલોને નીચેથી કાણું પાડી કોરી ખાય છે. મે-જૂન તથા ઓકટોબર -નવેમ્બર મહિનામાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

નિયંત્રણ :

કળી કોરનાર ઈયળના નિયંત્રણ માટે દર્શાવેલ રાસાયણિક દવાના છંટકાવથી આ જીવાતનું નિયંત્રણ પણ કરી શકાય. ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી ખાતેથી કરવામાં આવેલ ભલામણ મુજબ મહતમ ફુલ આવવાના સમયે ડાયકલોરવોશ ૩ મી. લી. અથવા લેમડાસાયહેલોથ્રીન ૧૦ મી.લી. અથવા પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રીન નું તૈયાર મિશ્રણ ૧૦ મી.લી. અથવા કલોરપાયરીફોસ અને સાયપરમેથ્રીન નું તૈયાર મિશ્રણ ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી કળી કોરનાર ઈયળનું નિયંત્રણ કરી શકાય છે. ઉપરોકત છંટકાવ જરૂરિયાત ના આધારે અથવા ર૦ દિવસના આંતરે છંટકાવ કરવાની ભલામણ છે.

(૩) ફળમાખી :

ફળમાખી રંગે બદામી અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે. માદા ફળમાખી પરિપકવ થવા આવેલાં ફળોમાં પોતાનું અંડનિક્ષોપક દાખલ કરી ફળમાં ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલા કીડા ફળની અંદરનો ગર્ભ ખાઈને નુકશાન કરે છે. નુકશાન પામેલાં ફળો કહોવાતાં ખાટી દુર્ગંધ મારે છે. એપ્રિલથી જૂલાઈ દરમ્યાન ચીકુવાડીમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

નિયંત્રણ :

ફળમાખીના નિયંત્રણ માટે વાડીમાં સ્વચ્છતા રાખવી અને સડેલાં ફળો ખાડામાં દાટી મિથાઈલ પેરાથિયોન પાઉડર નાંખવો. નૌરોજી મિથાઈલ યુજીનોલ યુકત ટ્રેપ દર ૧૦ ઝાડ દીઠ એક પ્રમાણે અથવા હેકટરે ૧૦ ટ્રેપ મૂકવાથી નર ફળમાખીને આકર્ષીને વસ્તી વધતી અટકાવી શકાય છે. સામૂહિક રીતે આ ટ્રેપો મૂકવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે. આ ટ્રેપ જમીનથી ચાર ફુટ ઉંચાઈએ મૂકવા.

(૪) ચીકુનું પાનકોરિયું અને પાન વાળનારી ઈયળ :

આ જીવાતો નવી પીલવણી ને વધતાં ઓછા પ્રમાણમાં નુકશાન કરતી હોય છે. વધારે ઉપદ્રવ હોય તો ડી.ડી.વી.પી. ૧૦ લિટર પાણીમાં પ મિ. લી. પ્રમાણે દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ થઈ શકે છે.

(પ) ચીકુ ફળની કથીરી :

દક્ષિણ ગુજરાતના ચીકુ ઉગાડતા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટુકરેલા નામની લાલ માઈટનું નુકશાન ચીકુ ફળમાં જોવા મળે છે. આ માઈટ ફળો પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ખાય છે. પરિણામે ફળો ખરબચડા અને કાળા રંગના થઈ જાય છે અને ફળોની ગુણવત્તા ઘટે છે.

નિયંત્રણ :

આ માઈટના નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં ઈથઓન ર૦ મિ. લિ.અથવા પ્રોપરગાઈટ ૧૦ મિ. લિ. દવા ભેળવી છંટકાવ કરવો જોઈએ.

(૬) બીજ કોરી ખાનારી ઈયળ (સીડ બોરર) :

આ જીવાતની ઈયળ મધ્યમથી મોટા કદના ફળોનાં બીજનો અંદરનો ભાગ ખાય છે. પરંતુ ઈયળ અવસ્થા પુરી થતાં ફળમાં કાણું પાડી બહાર આવી પાન પર કોશેટો બનાવે છે. ફળ પરનાં આવા કાણાંમાંથી ફૂગ તથા અન્ય જીવાતો ફળમાં દાખલ થઈ નુકશાન કરે છે. આમ ઉપદ્રવિત ફળો ખાઈ શકાતાં નથી. તેની ગુણવતા ઘટવાથી બજારભાવ ઓછા મળે છે.

નિયંત્રણ :

ચોમાસા પછી ઓકટોબર અને નવેમ્બર મહિનામાં ૧૦ લિટર પાણીમાં પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રીનનું તૈયાર મિશ્રણ ૧૦ મિ. લિ. અથવા પ્રોફેનોફોસ ૧ર.પ મિ. લિ. અથવા લેમડાસાયહેલોથ્રીન ૧૦ મિ. લિ. પ્ર્રમાણે ના છંટકાવ ર૦ થી રપ દિવસના અંતરે ર થી ૩ વખત કરવાથી આ જીવાતનું નિયંત્રણ થઈ શકે છે.

રોગો :
----------

(૧) પાનનાં ટપકાં :

ચીકુના પાકમાં ફૂગથી થતાં પાનનાં છીંકણીયા ટપકાં, પાનનાં લાલ બદામી ટપકાં અથવા તો પાનનો ઝાળ અને પાનનાં રાખોડી રંગના ટપકાં જોવા મળે છે. ખાસ કરીને ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસમાં આ ટપકાંઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ ટપકાંઓને લીધે પાન સુકાઈ ને ખરી પડે છે. તેમજ કોઈક વાર આ રોગનું પ્રમાણ વધુ હોય તો ઉત્પાદન પર માઠી અસર પડે છે જેથી આર્થિક નુકશાન થાય છે.

નિયંત્રણ :

આ તમામ પાનના ટપકાંના અસરકારક નિયંત્રણ માટે મેન્કોઝેબ ર ગ્રામ/લિ. અથવા કાર્બેન્ડાઝિમ ૦.પ ગ્રામ/લિ. અથવા તો કોઈપણ તાંબા યુકત ફૂગનાશક દવા ૩ ગ્રામ/લિ. પ્રમાણે જરૂરી દવાનો જથ્થો બનાવી ર૦ થી રપ દિવસના અંતરે બે થી ત્રણ વખત છંટકાવ કરવો.

(ર) સુકારો :

આ રોગ ફુગથી થાય છે. શરૂઆતમાં ઝાડ ઝાંખા પીળા અને ફીકકા થઈ ધીમે ધીમે સુકાવા લાગે છે. ખાસ કરીને વરસાદ બંધ થયા પછી સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં છૂટાછવાયાં ઝાડોને અસર જોવા મળે છે. સમય જતાં આખું ઝાડ સુકાઈને મરી જાય છે. આ રોગની ફુગ મૂળ મારફતે આક્રમણ કરતી હોવાથી મૂળના અંત:ભાગને અસર થાય છે અને ઝાડ મરી જાય છે.

નિયંત્રણ :

રોગવાળા ઝાડના થડનું ઢીમું ખોલી કાર્બેન્ડિઝીમ ર૦ ગ્રામ ત્ર ર૦૦ ગ્રામ યુરિયા ર૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી થડમાં રેડવું. ર૦ થી રપ દિવસના અંતરે બે થી ત્રણ વાર ઉપર પ્રમાણે માવજત આપવી. આ ઉપરાંત વાડીમાં પાણી ભરાવા ન દેવું. પિયતનું નિયમન કરવું. તેમજ જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા વીરીડી નામની જૈવિક ફુગનું કલ્ચર સેન્દ્વિય ખાતર સાથે ભેળવી આપવાથી રોગનું નિયંત્રણ થઈ શકે છે.

(૩) અવરોહ મૃત્યુ (ડાયબેક) :

આ રોગની શરૂઆતમાં ડાળીઓ ઉપરથી નીચેની તરફ સુકાતી જાય છે, તથા પાન પણ સુકાઈને ખરી પડે છે.

નિયંત્રણ :

આ રોગના નિયંત્રણ માટે કોપર ઓકસીકલોરાઈડ ૪૦ ગ્રામ/૧૦ લીટર અથવા કાર્બેન્ડિઝીમ પ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

(૪)ફળનો પોચો સડો :

આ રોગની શરૂઆતમાં ફળ પર ઘાટા બદામી રંગના ઝખમો ઉત્પન્ન થાય છે. જે ધીમે ધીમે વિકાસ પામે છે. આની અસર થી ફળ પાકવાની ક્રિયા ઝડપી બને છે અને ફળ પર ફૂગનું વર્ધન જોવા મળે છે. ફળમાંથી કાળા રંગના પ્રવાહીનું ઝરણ થતું જોવા મળે છે. જે ખરાબ ગંધ ફેલાવે છે.

નિયંત્રણ :

આ રોગના નિયંત્રણ માટે ફળોને ઉતાર્યા બાદ ડાયથેન એમ-૪પ દવાના ૦.૧ ટકા દ્રાવણમાં પાંચ મિનિટ બોળવા.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.