સંર્વધન :
-----
નાળિયેરીનું સંવર્ધન બીજ દ્વારા તેમજ પરપરાગનયનથી ફલિનીકરણ દ્વારા થતું હોઈ ભિન્નતા ખૂબ જ જોવા મળે છે. રોપ ૯-૧ર માસની ઉંમરનો ૪-૮ તંદુરસ્ત પાનવાળો હોવો જોઈએ.
માતૃઝાડની પસંદગી :
--------------
ઝાડ રપ થી ૪૦ વર્ષની ઉંમરનું રોગજીવાતથી મુકત હોવું જોઈએ. દર વર્ષ ૧ર થી ૧૪ નવા પાન નીકળતા હોવા જોઈએ તથા દરેક પાનના કક્ષામાંથી પુષ્પવિન્યાસ નીકળતો હોવો જોઈએ. ઝાડનું થડ સીધું અને ૩૦ થી ૪૦ તંદુરસ્ત પાન ધરાવતું અને પાનની ગોઠવણી છત્રી આકારે થયેલ હોવી જોઈએ. પુષ્પદંડ ટૂંકો અને ઝાડ ૮૦ થી વધુ મોટા ગોળથી લંબગોળ ફળ દર વર્ષ આપતું હોવું જોઈએ.
બીજની પસંદગી :
-----------
પસંદ કરેલ માતૃઝાડમાંથી પરિપકવ (૧૧ થી ૧ર માસના) નાળિયેરને ઉતારી તેમાંથી મોટા કદના ગોળાકારથી લંબગોળ કદના, રોગજીવાત મુકત નાળિયેરને પસંદ કરી છાયામાં એક થી દોઢ માસ આરામ આપવો.
રોપ ઉછેર :
-------
નાળિયેર બીજમાં પ્રમાણસર પાણી હોય તેવા નાળિયેર બીજને નર્સરીની અંદર ૩૦ સે.મી. × ૩૦ સે.મી. ના અંતરે બીજનું મુખ જમીન ઉપર ખૂલ્લું રહે તે રીતે ઉભા વાવવા. ત્યારબાદ નિયમિત જરૂર મુજબ પાણી આપતા રહેવું. વાવેતર બાદ પાંચ માસે ૧૮૦ કિલો નાઈટ્રોજન (૯૦ કિલો યુરિયાના રૂપમાં તથા ૯૦ કિલો એરંડીના ખોળના રૂપમાં) પ્રતિ હેકટરે આપવાથી રોપની વૃધ્ધિ સારી જોવા મળેલ છે. નર્સરીમાં જરૂર મુજબ નીંદામણ તેમજ પાકસંરક્ષાણના પગલાં લેવા.
રોપની પસંદગી :
-----------
એક અભ્યાસ મુજબ નાળિયેરીના સારી ગુણવત્તાવાળા રોપની પસંદગીથી ૧પ% ઉત્પાદનમાં વધારો નોંધાયેલ છે માટે રોપની પસંદગી ખૂબજ અગત્યનું પાસું કહી શકાય. રોપની પસંદગી સમયે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે :
(૧) રોપ ૯ થી ૧ર માસની ઉંમરનો હોવો જોઈએ.
(ર) રોપના થડનો ઘેરાવો જેમ વધુ તેમ રોપ વધુ સારો.
(૩) ઉંમર પ્રમાણે ૪ થી ૮ તંદુરસ્ત લીલા પાન ધરાવતો તથા રોગ-જીવાતથી મુકત હોવો જોઈએ.