પ્રથમ વર્ષે વાવેતર કરેલ ચીકુના ઝાડ દીઠ પ કિ.ગ્રા. છાણિયું ખાતર જૂન માસમાં ખામણું બનાવી આપવું. પુર્તી ખાતર તરીકે ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન, પ૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦ ગ્રામ પોટાશ બે સરખા હપ્તામાં જૂન અને ઓકટોબર માસમાં આપવું. ત્યારબાદ દર વર્ષે ઉપરોકત જથ્થો ઉમેરીને નવ વર્ષો સુધી આપવો. દસ વર્ષે અને તેથી વધુ ઉંમરના ઝાડ દીઠ પ૦ કિ.ગ્રા છાણિયું ખાતર જૂન માસમાં ખામણું બનાવી આપવું. આ ઉપરાંત ઝાડ દીઠ ૧૦૦૦ ગ્રામ નાઈટ્રોજન, પ૦૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦૦ ગ્રામ પોટાશ બે સરખા હપ્તામાં જૂન અને ઓકટોબર માસમાં ઝાડની ફરતે ર મીટરની ત્રિજયામાં ૩૦ સે. મી. પહોળી અને ૩૦ સે. મી. ઉંડી નીક ખોદી તેમાં ખાતર આપી ઢાંકી દેવું અને તૂર્તજ પિયત આપવું. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે હાલ ચાલી રહેલ અભ્યાસ મુજબ ઉપરોકત રાસાયણિક ખાતરના નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જથ્થાને રપ-૧૦૦-રપ, પ૦-૦-પ૦, અને રપ-૦-રપ ટકા પ્રમાણે અનુક્રમે જુન, ઓગસ્ટ અને ઓકટોબર માસમાં આપવાથી સારા પરિણામો મળેલ છે. બિનપિયત વિસ્તારમાં ઝાડ દીઠ ૧પ૦૦ ગ્રામ નાઈટ્રોજન (૩ કિ.ગ્રા. યુરિયા) વરસાદ શરૂ થાય કે તૂર્તજ આપવો. ફોસ્ફરસ અને પોટાશ યુકત ખાતરો જમીનના પૃથકકરણના આધારે જરૂરિયાત મુજબ આપવા.