Navsari Agricultural University
કેરીના ઉત્પાદન અને ગુણવતામાં કેટલીક મહત્વની સમસ્યાઓ અવરોધક બને છે જેનો સમજ પૂર્વક વિચારી યોગ્ય પગલા લેવા જોઈએ.

૧. અનિયમિત કે એકાંતરે ફળવું :
--------------------------------

હાફુસ, લંગડો, દશેરી જેવી જાતો એકાંતરે વર્ષે ફળે છે.જે તે જાતના આનુંવાશિક ગુણધમો પર અવલંબે છે. આમ છતા વાડીમાં નિયમિત ખાતર,પાણી ,પાકસંરક્ષાણની માવજતો હવા ઉજાસ માટે જરૂરી છંટણી કરવાથી સારા પરિણામો મેળવી શકાય છે.
જે વર્ષે વધુ પ્રમાણમાં ફળો આવ્યા હોય તે વર્ષે માર્ચ થી મે સુધી નવી ડાળીઓ ફુટી તેનો પુરતો વિકાસ થાય તે માટે જીબ્રેલીક એસિડ ૧૦ પી.પી.એમ.ત્ર ર ટકા યુરિયા (૧૦૦ લિટર પાણીમાં ૧.ગ્રામ જીબ્રેલીક એસિડ અને ર કિલો યુરિયા) નો છંટકાવ બે વખત પહેલો એપ્રિલ ના અંતમાં અને બીજો છંટકાવ મે માસના અંતમાં કરવો. સતત ગરમ અને ભેજવાળા હવામાનમાં આંબાની વાનસ્પતિક વૃધ્ધિ વઘુ થાય છે જેને અટકાવવા માટે કલ્ટાર (રપ% પ્રેકલોબ્યુટ્રાઝોલ) નો ઉપયોગ થાય છે. હાફુસ તેમજ અન્ય જાતમાં આ રસાયણના ઉપયોગ બાબતે સારા પરિણામો મળ્યા છે.

કલ્ટાર કયારે અને કેવી રીતે આપવુ :

સામાન્ય રીતે દશ થી ત્રીસ વર્ષના પૂર્ણ વિકસિત ઝાડને ર૦ મી.લી.કલ્ટાર (પ ગ્રામ સક્રિય તત્વ) ૧૦ થી ૧પ લીટર પાણીમાં મિશ્ર કરી ઓગષ્ટના મધ્યથી સપ્ટેમ્બર માસના મધ્ય સુઘી માં એક વાર આપવું.
આ મિશ્રણને ઝાડના થડની ફરતે અસરકારક મૂળ વિસ્તારમાં ૧૦ થી ૧ર સે.મી.ઉંડા રપ થી ૩૦ ખાડા કરી તેમા રેડી ખાડાને માટીથી ઢાંકી દેવા જોઈએ.
કલ્ટાર આપતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જોઈએ.
કલ્ટાર આપતા પહેલા ઝાડની નીચે ઉગેલા નીદણનો નાશ કરવો જોઈએ.
આ રસાયણનો ઉપયોગ ફકત તંદુરસ્ત ઝાડ પર કરવાથી ઈચ્છિત લાભ મેળવી શકાય છે.
કલ્ટારની માવજત આપેલ ઝાડમાં વધૂ ઉત્પાદન મળે છે એટલે પોષક તત્વોની ખેચ ન પડે તે માટે ભલામણ કરતાં વધૂ પ્રમાણમાં (લગભગ રપ% જેટલા) ખાતર આપવા જોઈએ.
કલ્ટારની માવજત આપવામાં આવે તો લગભગ ૧ર-૧પ દિવસ જલ્દી પરિપકવ કેરી મેળવી શકાય છે. જેથી સારા ભાવો મેળવી શકાય.

ર. ફળનું ખરણ :
----------------------

કેરીના વિકાસના જુદા જુદા તબકકામાં મોટા પ્રમાણમાં ફળો ખરી પડે છે ફળ ખરણ પ્રક્રિયામાં આંબાની જાત, જમીનમાં ભેજ, પોષક તત્વોની ઉણપ, હવામાનમાં થતા અચાનક ફેરફાર અને રોગ જીવાતનો ઉપદ્રવ જેવા કારણો જવાબદાર છે. મોરની એક દાંડી પર જાત પ્રમાણે એક અને વધુમા વધુ બે થી ત્રણ કેરી પરિપકવ થતી હોય છે. વધારાની કેરી ખરી જવી કુદરતી પ્રકિ્રયા છે, પણ વધુ પ્રમાણમાં કેરી ખરી જાય તોજ તેને સમસ્યા ગણી શકાય.
આંબા પરથી ફળ ખરતા અટકાવવા માટે નીચે મુજબના ઉપાયો યોજવાથી ઘણો ફાયદો થઈ શકે છે :
જમીનમાં ભેજ અને પોષક તત્વોની ખામી જણાય તો નાઈટ્રોજનયુકત ખાતર જેવાકે યુરીયા, એમોનિયમ સલ્ફેટ વગેરે આપી પિયત આપવુ.
આંબા પર કેરી વટાણા જેવડી થાય ત્યારે અને કેરી લખોટા જેવડી થાય ત્યારે એમ બે વખત ર૦ પી.પી.એમ નેપ્થેલીન એસેટિક એસિડ અને ર % યુરીયાનુ દ્રાવણ ( ૧૦૦ લીટર પાણીમાં ર ગ્રામ અને ર કિલો યુરીયા) બનાવી છંટકાવ કરવો.
હવામાનમાં અચાનક ફેરફાર થયા બાદ તુરતજ રોગ જીવાતનો ઉપદ્રવ અટકાવવા ઝડપથી નિયંત્રણના પગલા લેવા જોઈએ.
મે માસમાં વાવાઝોડાથી કે અતિ ઝડપે વાતા પવન થી મોટા કદના ફળો ખરી પડે છે. તે માટે પવનની દિશા તરફ શરૂ જેવા વૃક્ષોની ઉચી જીવંત વાડ બનાવવાથી પવનની ગતી ધીમી પાડી શકાય. આ માટે કલમો નવી જમીનમાં રોપવાની સાથે સાથે ખેતરની ફરતે શરૂનું વાવેતર કરવું હિતાવહ છે. જેથી આંબાની કલમો અને થડના શરૂ પણ મોટા થઈ જશે.

૩. ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ) :
---------------------------------

આ ઉપદ્રવ હાફુસ અને જમાદાર જાતની કેરીમાં જોવા મળે છે. મે મહીનામાં સૂર્યની સખત ગરમી જમીન પરથી પરાવર્તિત થતી ગરમી-લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકશાન કરે છે. નુકશાની વાળો ભાગ બરાબર પાકતો નથી તેને કપાસી કહીએ છીએ.જે ભાગનો માવો સફેદ,પીળો તેમજ સ્વાદે ખાટો હોય છે. આવા ફળો બહારથી પારખી શકાતા નથી.

નિયંત્રણ :

૧. હાફુસ જાતના ફળો લીલા પણ પરિપકવ હોય તેવા (૮૦ % પરિપકવતા) ફળ તોડવામાં આવેતો કપાસીનો ઉપદ્રવ ઓછો રહે છે. પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસી વઘુ જોવા મળે છે.

ર. આંબાવાડીયામાં ખુલ્લી જગ્યામાં ડાંગરનું સૂકું પરાળ કે પાંદડાનું આવરણ પાથરવાથી જમીન વઘુ ગરમ થતી નથી અને કપાસીનું પ્રમાણ ઘટે છે.

૩. ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતાં છાંયડામાં ઢાંકીને રાખવા જોઈએ.

૪. સવારના ઠંડા પહોરે કે સાંજના ચાર વાગ્યા પછી કેરી તોડવી (બેડવી) જોઈએ.

૪. આંબાની વિકૃતિ :
------------------------

આંબામાં બે પ્રકારની વિકૃતિ જોવા મળે છે :

૧. વાનસ્પતિક વિકૃતિ
ર. પુષ્પવિન્યાસની વિકૃતિ

વાનસ્પતિક વિકૃતિ :

આંબાની ડાળીમાં ટોચના પાન શરૂઆતમાં જાડા,ટુકા અને દળદાર બને છે. ડાળીઓ ગુચ્છામાં ફુટે છે પાન નાના થઈ જાય છે આ વિકૃતિ નાના છોડમાં તેમજ નાની કલમોમાં વઘુ જોવા મળે છે.

પુષ્પવિન્યાસની વિકૃતિ :

આ વિકૃતિમાં ફુલો જાડા, ફુલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પૂષ્પ વિન્યાસ નીકળે છે પરાગરજનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, કેરી વટાણાનાં દાણા કરતાં મોટા થતા નથી, દુરથી જોતાં ફલાવરનાં દડા જેવા ગુચ્છા જોવા મળે છે.
૧. આ રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થાય છે.
ર. રોગીષ્ટ આંબાની ડાળીઓનો કલમો બાંધવામાં ઉપયોગ કરવાથી વધે છે.

નિયંત્રણ :

૧. રોગીષ્ઠ ડાળીઓની છંટણી કરી બાળીને નાશ કરવો.

ર. રોગમુકત આંબાની પ્રમાણિત કલમો વાવેતરમાં ઉપયોગ કરવો.

૩. ફુલમાં વિકૃતિ દેખાયતો પૂષ્પ વિન્યાસનો નાશ કરવો.

૪. મુળકાંડ વિકૃતિ જણાય તો કલમ બાંધવાના ઉપયોગમાં લેવો નહી.

પ. ઓકટોબર માસના પહેલા અઠવાડિયામાં નેપ્થેલીન એસેટીક એસિડ ર૦૦ પી.પી.એમ. (ર ગ્રામ ૧૦ લિ. પાણીમાં ઓગાળી) છંટકાવ કરવો.

૬. આંબાવાડીયામાં સતત દેખરેખ રાખી રોગની શરૂઆત જણાય યોગ્ય પગલા લેવા જોઈએ.

૭. પાન કથીરી જીવાતને કાબુમાં લેવી. ઈથીઓન ૧૦ મિ. લિ.અથવા પ્રોપરગાઈટ ૧૦ મિ. લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

પ. વાંદા :
--------------

આંબાની ડાળ ઉપર ઉગી નીકળતી પરોપજીવી વનસ્પતિ છે. જેને આંબાની ડાળી અને વાદાની ગાંઠ સાથે ડાળીને દુર કરવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.