આંબાવાડીયામાં રોપેલ કલમોની ઉંમરના આધારે આંબાવાડીને આપવાની માવજતને બે ભાગમાં વહેચી શકાય:
---------------------------------------------------------------------------------
બિન ફળાઉ ઉછરતી કલમોને આપવાની માવજત :
----------------------------------------
નવી રોપેલ કલમોને ચોમાસામાં વરસાદ ન હોય ત્યારે અને ચોમાસા બાદ ગોડ કરી ૧ મીટર પહોળાઈની રીંગ બનાવી તેમાં જમીનની જાત અને હવામાન પ્રમાણે ૩ થી ૬ દિવસના ગાળે પાણી આપવું.
ઉંમર વધે તેમ રીંગનું કદ વધારતા જવું.
ઉંમર પ્રમાણે ખાતરનો જથ્થો સમયસર આપવો.
ખામણાંમાં સુકુ ઘાસ અથવા ઝાડના પાનનું આવરણ કરવું (મલ્ચીંગ).
વારંવાર ઉંડી ગોડ કરવી નહી.
નવી રોપેલ કલમો ને ટેકો આપવો અને ઝાડ સીધું રહે તે માટે ટેકા ચકાસતા રહેવું.
કલમો રોપ્યા બાદ ચાર વર્ષ સુધી મોર તોડી નાંખવો જોઈએ.
ઉધઈનો ઉપદ્રવ જણાયતો તેનું નિયંત્રણ કરવું.
કલમોના થડની આજુબાજુનો ધાસ કચરો દુર કરવો જોઈએ.
કલમો ઉપર નીકળતી નવી કુંપળો ઉપર મધીયો, થ્રીપ્સ, ડુંખ કોરી ખાનારી ઈયળ જેવી જીવાતો તથા ભૂકી છારો અને કાલવ્રણ જેવા રોગનું સમયસર નિયંત્રણ કરવું જોઈએ.
નવી રોપેલ કલમોની કેરવણી માટે છટણી કરવી જરૂરી છે. જે માટે બીજા વર્ષથી જમીન પર ફેલાતી ડાળી,એકમેકમાં ગુચવાયલી ડાળી અને નબળી અને રોગીષ્ટ ડાળીઓની જરૂરીયાત મુજબ સંમતોલ વિકાસ થાય તેમ છટણી કરવી જોઈએ.
નવી રોપેલ કલમોમાં જમીનથી ૬૦ સે.મી. ઉંચાઈ સુધીનો થડનો ભાગ ડાળી વિનાનો હોવો જોઈએ.
નવા આંબા વાડીયામાં શરૂઆતનાં પ-૭ વર્ષ સુધી વિવિધ આંતરપાકો લઈ શકાય છે.જેવા કે કેળ, પપૈયા જેવા ફળ પાકો, શાકભાજી તેમજ ફૂલછોડ નાં પાકો લઈ વધારાની આવક મેળવી શકાય.
આંતરપાક આંબા કરતાં ઉંચી વધવાળા હોવા જોઈએ નહીં
વધુ પાણીની જરૂરીયાત વાળા પાક લેવા નહીં. દા.ત. ડાંગર.
પુખ્ત ઉંમરનાં ફળાઉ ઝાડોને આપવાની માવજત :
-----------------------------------------
પુખ્ત વયના ફળાઉ ઝાડોની માવજત વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવામાં આવેતો ગુણવતા વાળા ફળોનું ઉત્પાદન મેળવી શકાય.
આંબાવાડીયામાં બેથી ત્રણ ખેડ કરવી જોઈએ. ચોમાસા પહેલા ચોમાસા પછી અને નવેમ્બર-ડીસેમ્બરમાં એમ ત્રણ ખેડ કરી શકાય.
છાંટણી :
-----------
જમીન પર ફેલાતી, એકમેકમાં ગુંચવાયેલી, નબળી અને રોગિષ્ઠ ડાળીઓને કાપીને દુર કરવી જોઈએ. ઝાડના અંદરના ભાગે સુર્યપ્રકાશ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
આંબાના ઝાડમાં મોટી ડાળીઓ નહી કાપતાં દર વર્ષો કે દર બે વર્ષે એકવાર બિન જરૂરી નાની ડાળીઓ કાપતા રહેવું. મોટી ડાળીઓ કાપવાથી ઉત્પાદન પર માઠી અસર પડે છે.