રોપણી માટે જમીન અગાઉથી ખેડી સમતલ કયરાબાદ ર મીટર × ર મીટરનાં અંતરે ૩૦ સે.મી.× ૩૦ સે.મી.× ૩૦ સે.મી. ના ખાડા તૈયાર કરી ૭ થી ૧૦ દિવસ ખુલ્લા રાખી તેમાંથી નીકળેલ માટી સાથે ૧૦ કિલો છાણિયું ખાતર ભેળવી ખાડા પૂરી દેવા. ધનિષ્ટ વાવેતર માટે ઓછા અંતરે ર×૧.૮ મીટરે અથવા ર.૪×૧.પ મીટરે વાવેતર કરવાથી હેકટરે છોડની સંખ્યા વધારી શકાય. રર સે.મી. ઉંચાઈના વધુ તંતુમૂળવાળા રોપ પસંદ કરવા, રોપણી કરતી વખતે અથવા છોડને વહન કરતી વખતે તેના થડ ઉપર બિલકુલ દબાણ ના આવે તે અંગે ખાસ કાળજી લેવી. નહીતર થડની જે જગ્યાએ દબાણ આવ્યું હશે ત્યાંથી છોડ ભાંગી જશે. જો છોડ કયારામાં ઉછરેલા હોય તો છોડ હાથથી ખેંચીને નહી ઉપાડતા ખૂરપાથી સાવચેતીપૂર્વક ઉપાડવા તેમજ ઉપર ટોચના ર-૩ પાન રહેવા દઈ બાકીના પાનનું ડીટું રહેવા દઈ કાતરથી કાપી નાખવા જેથી છોડમાંથી ભેજ ઉડી જતો અટકાવી શકાય. દૂરનાં અંતરેથી જયારે છોડ લાવવાના થાય ત્યારે પણ આ રીતે કરી શકાય.
પપૈયાનો પાક ખૂબજ સંવેદનશીલ છે જેથી એ ખૂબ જ કાળજી માંગી લે છે. આ પાકમાં જો ગાદીકયારા પર મલ્ચીંગ પ્લાસ્ટીકનો આવરણ તરીકે ઉપયોગ કરી વાવેતર કરવામાં આવે તો ખૂબ જ સારો પરિણામ મળે છે. આ માટે ર.૪ × ૧.પ મીટરે વાવેતર કરવું. જેના માટે ૩ ફુટના ગાદી કયારા બનાવવા અને તેની ઉપર ૧.ર મીટરનું પ્લાસ્ટિક મલ્ચ પાથરવું. જેમાં ૧.પ મીટરના અંતરે ગોળ કાણા પાડી તેમાં પપૈયાના છોડ રોપવા. મલ્ચીંગનું આવરણ કરતા પહેલા ડ્રીપ સીસ્ટમ ફીટ કરી લેવી જેથી પાણી આપવામાં સરળતા રહે.
પપૈયાના છોડની રોપણી કરતા પહેલા ખાડામાં છાણિયું ખાતર અથવા કોઈ પણ સેન્દ્વિય ખાતર નાંખવું. પપૈયાના છોડમાં ખાતર એક મહિના પછી આપવાનું થાય છે. માટે શરૂઆતમાં છોડને પોષણ આપવા માટે જૈવિક ખાતર (એઝેટોબેકટર, ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા, પોટાશ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા) નો ઉપયોગ કરવો. જેનું પ્રમાણ છોડ દીઠ ૧૦ ગ્રામ અથવા ભલામણ પ્રમાણે ઉપયોગ કરવાથી શરૂઆતમાં છોડને પોષ્ણ મળી શકે.