જીવાતો :
--------------
પપૈયાની જીવાતોમાં મોલો (એફીડ) અને સફેદમાખી ખુબ જ અગત્યની છે. કારણ કે આ બંને જીવાત અનુક્રમે પપૈયાનો પંચરંગિયો અને પપૈયાના પાનનો કોકડવા નામના વાયરસથી થતા રોગના વાહક તરીકે કામ કરે છે. આથી પપૈયાના પાકમાં આ જીવાતનું નિયંત્રણ ખુબ જ મહત્વનું બની રહે છે.
રોગ :
----------
૧. થડ અને મૂળનો કહોવારો :
આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. ધરૂવાડિયામાં પણ આ રોગ જોવા મળે છે તેથી તેને 'ધરૂમૃત્યુ'નો રોગ પણ કહે છે. આ રોગ મધ્યમ તાપમાન તથા જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ રોગમાં પપૈયાના થડના જમીન પાસેના ભાગ પર પાણી પોચા કથ્થઈ રંગના ડાઘ પડે છે જે ધીમે ધીમે ઉપર તરફ વધતાં થડનો ભાગ પોચો પડી તેમાંથી પાણી ઝરે છે અને છેવટે થડ નબળું પડી છોડ ત્યાંથી ભાંગી પડે છે. રોગગ્રસ્ત ખેતરમાં રોગનો ફેલાવો કરવામાં પિયત અગત્યનો ભાગ ભજવે છે.
ર. પાનનો કોકડવા :
આ રોગ વિષાણુથી થાય છે અને તેનો ફેલાવો સફેદમાખીથી થાય છે. આ રોગમાં છોડના પાન નાના, ટુંકા,ખરબચડા, જાડા થઈ જાય છે. નસો પણ કોકડાઈ જતાં ખાસ કરીને ટોચના પાન ઉપર અસર થતાં પાન કદરૂપા બની જાય છે. ફળ પણ વિકૃત થઈ જાય છે.
૩. પાનનો પંચરંગીયો :
આ રોગ પણ વિષાણુથી થાય છે જેનો ફેલાવો મોલો દ્રારા થાય છે આ રોગના લક્ષાણોમાં પાન પર ઝાંખા તથા ઘાટા લીલા રંગના ચટપટાવાળા ડાઘ પડે છે અને પાન વિકૃત બને છે. આવા છોડ પર ફળો બેસતાં નથી અને ફળો બેસે તો બેડોળ બને છે. પાનના ટપકાંનો રોગ અને રીંગસ્પોટ વાયરસનો રોગ પણ કયારેક જોવા મળે છે.
નિયંત્રણના ઉપાયો :
૧. પપૈયાનો મૂળઅને થડનો કહોવારો ધરૂવાડિયામાંથી પણ શરૂ થઈ શકતો હોય અને ભેજના વધુ પડતા પ્રમાણથી રોગની શકયતા વધતી હોય ધરૂવાડિયુ બનાવવા હંમેશા સારા નિતારવાળી, ઉંચી જગ્યાએ ગાદી કયારા બનાવવા જેથી પાણીનો નિતાર અને નિકાલ થઈ શકે.
ર. ધરૂવાડિયું બનાવવાની જગ્યાએ સુકાયેલા જડીયાં, ઘાસ અને પાન બાળી જમીનનું નિર્જીવીકરણ કરવું જેથી જમીનના ઉપરના ભાગમાં રહેલ રોગપ્રેરક ફૂગનો નાશ કરી શકાય.
૩. પપૈયાના બીજને થાયરમ દવા ૩ ગ્રામ/કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું. પાછળથી ધરૂમૃત્યુનો રોગ આવે તો ૦.૬ ટકાનું બોર્ડો મિશ્રણનું દ્રાવણ ૩ લી. પ્રતિ ચો.મી.ધરૂવાડિયામાં રેડવું. અથવા કોપર ઓકસીકલોરાઈડ દવા ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૩ લી દ્રાવણ પ્રતિ ચો.મી.ધરૂવાડિયામાં રેડવું.
૪. વિષાણુ રહિત ધરૂ તૈયાર કરવા માટે ૧૦૦ ચો.મી. વિસ્તારના ધરૂવાડિયામાં ર૦૦ ગ્રામ ફોરેટ ૧૦ જી દાણાદાર દવા નાંખી જમીનમાં ભેળવી દેવી જેથી મોલો અને સફેદમાખીનું નિયંત્રણ થતા તેમના દ્રારા ફેલાતા વિષાણુ જન્ય રોગો મુકત ધરૂ તૈયાર થશે. ધરૂવાડિયામાંથી વિષાણુવાળા છોડને ઉપાડી બાળી નાંખવા. ધરૂવાડિયામાંથી ફેરરોપણી માટે તંદુરસ્ત રોપાઓનો જ ઉપયોગ કરવો.
પ. ફેરરોપણી બાદ ખેતરમાંથી રોગિષ્ટ અને વિષાણુવાળા છોડ ઉપાડીને બાળી નાંખવા.
૬. પપૈયાના ખેતરમાં પાણીનો ભરાવો થવા દેવો નહી. આ માટે પપૈયાની ફેરરોપણી શકય હોય તેટલાં ઉચાં પાળા પર કરવી.
૭. પપૈયાની વાડીમાં મોટા છોડના થડની ફરતે બોર્ડો પેસ્ટ લગાવી માટી ચઢાવવી જેથી થડ સીધા પાણીના સંપર્કમાં ન આવે.
૮. પપૈયાની વાડીમાં થડ અને મૂળનો કહોવારો જોવા મળે તો ૧% બોર્ડો મિશ્રણ દવા ૩ લીટર/છોડ પ્રમાણે થડમાં આપવું અને થડના જમીન પરના પ૦ સેમી સુધીના ભાગ પર બોર્ડો પેસ્ટ લગાડવી.
૯. પપૈયાની ફેરરોપણી પહેલા છાણિયા ખાતર/વર્મીકમ્પોસ્ટ કે કંમ્પોસ્ટ સાથે ટ્રાયકોડર્મા વીરીડી, સ્યુડોમોનાઝ ફલોરેશન નામની ફુગનું કલ્ચર ભેળવી તેને ૭ થી ૧૦ દિવસ રાખી દરેક છોડના ખામણે વાવતા પહેલાં આપવાથી થડ અને મુળના કહોવારાની ફુગનું જૈવિક નિયંત્રણ મળી રહે છે.
૧૦. પાનના ટપકાં અને કાલવ્રણના નિયંત્રણ માટે મેન્કોઝેબ રપ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ર૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૧૧. ભૂકી છારા રોગના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડેઝીમ પ૦ ટકા વેપા ૧૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
૧ર. વિષાણુ જન્ય રોગનો ફેલાવો અટકાવવા માટે રોગિષ્ટ છોડને ઉખાડી નાશ કરવો. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતના નિયંત્રણ માટે એસીફેટ ૭પ % દવા ૧પ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧પ દિવસના અંતરે બે છંટકાવ કરવા.