આ મુદ્દો ખુબજ અગત્યનો છે. કેરીની ટકાઉ શકિત અને ગુણવત્તાનો આધાર કેરી ઉતારવી અને ત્યાર પછી પ્રક્રિયાની ઉપર છે.
૧. વીણી (લણણી) :
---------------------
કેરીની ટકાઉ શકિતનો આધાર કઈ અવસ્થાએ દિવસના કયા સમયે અને કાળજીપુર્વક કરી છે કે કેમ? તેના પર છે.
(અ) પરીપકવતા :
કેરી એ ઋતુ નિવૃતિવાળુ ફળ (કલાઈમેકટરીક ફ્રુટ) છે, જે ઉતાર્યા પછી પકવી શકાય છે. કેરીને પરિપકવતાની યોગ્ય અવસ્થાએ ઉતારવા જોઈએ. લીલા અને પરિપકવ ફળ વીણી માટે સૌથી યોગ્ય છે, કારણકે તે પાકયા પછી સારા રહે છે અને ગુણવતામાં પૂર્ણ વિકસિત હોય છે. કેરી ફૂલ આવ્યા પછી ૯૦-૧૦૦ દિવસમાં ઉતારવા લાયક થાય છે ત્યારે તેની સાપેક્ષા ધનતા ૧.૦ થી વઘુ, ગર્ભનો ભાગ પીળો હોય છે. કેરીની જુદી જુદી જાતો જુદા જુદા સમયે પાકતી હોય છે દા.ત. હાફુસ કેરી મે માસના બીજા ત્રીજા અઠવાડીયામાં પાકે છે. પાયરી, સુંદરી જાતો હાફુસ કરતાં ૧૦ થી ૧ર દિવસ વહેલી પાકે છે. જયારે કેસર, રાજાપુરી જેવી જાતો હાફુસ કરતાં ૧૦-૧ર દિવસ મોડી પાકે છે.નિલ્ફાન્સો,સોનપરી,આમ્રપાલી,જેવી જાતો જૂન માસના બીજા અઠવાડીયામાં પાકે છે. જયારે તોતાપુરી, નિલમ, મકારામ, પછાતીયો જેવી જાતો એથી પણ મોડી પાકે છે. કેરીના ઘણીવાર બે ફાલ હોય તો ફળના પરિપકવતા ના ચિન્હો જોઈને ઉતારવી જોઈએ.
(બ) વીણીનો સમય :
કેરીની સામાન્ય રીતે સવારના સમયે કે સાંજે ઠંડા પહોરે વીણી કરવી જોઈએ.
(ક) અન્ય કાળજી :
વીણી સમયે ફળ જમીન પર પછડાય નહી કે ઘસરકા પડે નહી તે માટે સુધારેલ બેડીથી ડીંટા સાથે તોડવા જોઈએ.
ફળને ઈજા ન થાય તેની કાળજી રાખવી, નહિતો રોગ ઉત્પન્ન કરતા જીવાણુઓ દાખલ થઈ ફળને બગાડે છે.
ફળને પ્લાસ્ટીક ક્રેટમાં ભરીને હેરફેર કરવા .
વીણી બાદ ફળને છાંયામાં રાખવા.
ર. ફળ ધોવા :
-----------------
સામાન્ય રીતે ફળને ધોવામાં આવતા નથી, છતાં ઔધોગિક વિસ્તાર નજીક હોય અવરજવર વાળો કાચો રસ્તો હોય તેમજ રોગ જીવાતનો ઉપદ્રવ હોયતો બાવીસ્ટીન પ૦૦ પી.પી.એમ. વાળા પાણીથી સાફ કરી સાદા પાણીથી ધોઈ લેવા.
૩. ગ્રેડીંગ કરવું :
------------------
ફળની ગુણવત્તા જાળવવા અને ઉંચા ભાવ મેળવવા ફળનું ગ્રેડીંગ કરવુ જોઈએ. આ માટે પરિપકવ, નાના, વધારે પાકા, બગડેલા, ફાટેલા, ડાઘાવાળા કે ફુગવાળા ફળોને કાઢી નાખી અલગ કરવા જોઈએ. ફળની જાત અને બજારની માંગ પ્રમાણે રંગ, કદ, વજન વગેરેને આધારે વિવિઘ ગ્રેડ પાડી બજારમાં મોકલવા જોઈએ.
૪. ફળની માવજત :
--------------------
ફળની સંગ્રહ શકિત વધારવા અને રોગ જીવાતથી થતો સડો અટકાવવા માવજત આપવી જોઈએ.
૧. મીણની માવજત
ર . ફુગનાશક દવાની માવજત
૩. વૃધ્ધિ નિયંત્રકો ની માવજત
૪. ગરમીની માવજત.
પ. પેકીંગ :
------------------
કેરીના ફળને સ્થાનિક બજારમાં ક્રેટમાં ભરી લઈ જવાથી ઈજા અને દબાણ અટકાવી શકાય છે.દુરના બજારમાં ફળને ખોખામાં પેક કરીને મોકલવા જોઈએ, જયારે નિકાસ માટે ફળને મજબુત અને આકર્ષક પૂંઠાના ખોખામાં પેક કરવા જોઈએ.