સામાન્ય રીતે પપૈયા વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પપૈયાના પાકમાંથી હેકટર દીઠ વધુ ઉત્પાદન મળતું હોવાથી તેની ખેતી માટે ફળદ્રુપ, સારા નિતારવાળી અને વધારે સેન્દ્વિય તત્વ ધરાવતી જમીનની જરૂરીયાત રહે છે. ગોરાડું, બેસર અને મધ્યમ કાળી જમીનમાં પપૈયા સારા થાય છે. પપૈયાનાં મૂળ પોચા પ્રકારના હોવાથી ભારે કાળી, ચીકણી કે નબળા નિતારવાળી જમીનમાં થડના કોહવારાનો રોગ આવતો હોવાથી આવી જમીન પપૈયાની ખેતી માટે પસંદ કરવી નહી.
પપૈયાને સુકું હવામાન માફક આવે છે. આ પાક વધુ પડતી ઠંડી તેમજ ખૂબ વરસાદ સહન કરી શકતો નથી. પપૈયાનો પાક ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ કટિબંધના ગરમ અને ભેજવાળા હવામાનમાં સફળતા પૂર્વક ઉગાડી શકાય છે. ભારે પવનથી છોડને નુકસાન થવાની શકયતા રહે છે.