ખામણા પધ્ધતિ દ્વારા :
------------------------
કેળના પાકને ખૂબ વધારે અને સમયસરના ખાતરોની ખાસ જરૂર છે. ખાડા તૈયાર કરતી વખતે અગાઉ જણાવેલ છાણિયુ અથવા કમ્પોસ્ટ ખાતર ઉપરાંત છોડ દીઠ ર૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ર૦૦ ગ્રામ પોટાશ નીચે આપેલ કોઠા પ્રમાણે હપ્તામાં આપવા ભલામણ છે. કેળની ગ્રાન્ડ નૈન જાત માટે ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ર૦૦ ગ્રામ પોટાશ આપવા.
કેળ જાત ગ્રાન્ડ નૈનમાં વધુ ચોખ્ખા નફાની સાથે વધુ ખર્ચ આવકનો ગુણોત્તર મેળવવા ૧૦ કિલો છાણીયું ખાતર, રપ૦ ગ્રામ નાઈટ્રોજન, ૪પ ગ્રામ ફોસ્ફરસ અને ર૦૦ ગ્રામ પોટાશની સાથે ૬ કિ / હે. પીએસએમ અને ૬ કિ/હે. એઝેટોબેકટર આપવાની ભલામણ કરવામાં આવે છે. છાંણીયુ ખાતર રોપણી પહેલા પાયામાં આપવું જૈવીક ખાતરો બે સરખા ભાગમાં રોપણી પછી પહેલા અને બીજા માસે આપવું. જયારે ફોસ્ફરસનો પુરેપુરો જથ્થો રોપણી પછી ત્રીજા માસે આપવો અને નાઈટ્રોજન અને પોટાશ ત્રણ સરખા હપ્તામાં ૩, ૪ અને પ માં માસે આપવું.
ઉપરોકત ખાતરો અથવા તેના સમપ્રમાણમાં અન્ય ખાતરો જેવા કે દિવેલીનો ખોળ, ડી.એ.પી.,સલ્ફેટ ઓફ પોટાશ વગેરે આપી શકાય. આ ઉપરાંત લૂમો નીકળી ગયા બાદ ર ટકા યુરીયા (૧૦ લીટર પાણીમાં ર૦૦ ગ્રામ યુરીયા) નો છંટકાવ કરવાથી ફળના કદ અને વજનમાં વધારો થાય છે. જમીનમાં આપવાના ખાતરો છોડની ફરતે ખામણું બનાવી આપવા અને પછી માટી ઢાંકી પિયત આપવું.
ટપક પધ્ધતિ દ્વારા:
--------------------
પુર્તી ખાતર છોડદીઠ (૧૮૦:૯૦:૧ર૦) નીચે પ્રમાણે આપવા (૪૦% નાઈટ્રોજન અને પોટાશની બચત) :
ફળ સંશોધન કેન્દ્ર, નકૃયુ, ગણદેવીથી થયેલ ભલામણ મુજબ કેળની ગ્રાન્ડ નૈન જાત માટે છોડ દીઠ ભલામણ કરેલ રસાયણિક ખાતરના ૮૦% ( ર૪૦-૧૬૦ ગ્રામ ના. પો./પ્રતિ છોડ) પૈકી ૯૬ ગ્રામ નાઈટ્રોજન અને ૪૦ ગ્રામ પોટાશ રોપણી બાદ ૩ જા માસે, ૭ર ગ્રામ નાઈટ્રોજન અને પ૬ ગ્રામ પોટાશ રોપણી બાદ પ મા માસે, ૭ર ગ્રામ નાઈટ્રોજન અને ૪૦ ગ્રામ પોટાશ રોપણી બાદ ૭ મા માસે તેમજ ર૪ ગ્રામ પોટાશ ૯ મા માસે આપવાથી વધુ ઉત્પાદન મળવા સહિત ર૦% ખાતરનો બચાવ થાય છે. છોડ દીઠ ૧૦ કિલોગ્રામ છાણિયું ખાતર અને ૯૦ ગ્રામ ફોસ્ફરસ રોપણી વખતે પાયામાં આપવો.