આંબાનુ મૂળ વતન ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર બર્માના હિમાલયના પહાડી પ્રદેશો મનાય છે. આંબાની ખેતી હેઠળનો વિસ્તાર, કેરીનું ઉત્પાદન અને તેનુ પોષ્ણ મૂલ્ય તથા લોક ભોગ્યતાની દ્રષ્ટએ તે વિશ્વમાં બિનહરિફ છે. તેથી કેરીને ફળોના રાજાનું બિરૂદ આપવામાં આવ્યું છે. કરી ભારતનું અતિ પ્રાચીન ફળ છે અને તે રાષ્ટ્રીય ફળ તરીકે પણ જાણીતું છે. વિશ્વમાં આંબાની કુલ ૬૯ પ્રજાતિઓમાંથી ફકત મેન્જીફેરા ઈન્ડીકા પ્રજાતિની લગભગ ૧૦૦૦ જેટલી ૧૧૧ કરતાં વધુ દેશોમાં આંબાની જાતો ઉગાડવામાં આવે છે. જેમાંથી ભારતમાં લગભગ ર૦ જેટલી આંબાની જાતો વ્યાપારિક ધોરણે વવાય છે. ભારતમાં કાશ્મિર અને સિકિકમ પ્રદેશ સિવાય બાકીના બધા જ રાજયોમાં આંબાનું વાવેતર થાય છે. ઉત્તર ભારતમાં દશેહરી, લંગડા, રતૌલ, ચૌસા, સફેદા, મધ્ય અને પૂર્વ ભારતમાં દશેહરી, લંગડા, કીશનભોગ, દક્ષિાણભારતમાં તોતાપુરી (બેંગ્લોરા), નીલમ, બનેશાન, બેંગનપલ્લી, પેડારસમ, સુવર્ણરેખા અને પશ્વિમ ભારતમાં આફુસ, કેસર, રાજાપુરી, જમાદાર વગેરે જાતો ખૂબ જ પ્રચલિત હોઈ વ્યાપારિક ધોરણે ઉગાડવામાં આવે છે.
કેરીની વિવિધ બનાવટોનું ઉત્પાદન અને નિકાસમાં ભારત અગ્રસ્થાને છે. એક અંદાજ મુજબ ભારતમાં ઉત્પન્ન થતી કેરીના એક ટકા કેરીમાંથી વિવિઘ બનાવટો તૈયાર કરવામાં આવે છે, જયારે ૦.પપ ટકા જેટલી તાજી કેરીની નિકાસ થાય છે. તે પરથી જણાય છે કે ભારત દેશમાંથી તાજી કેરી અને કેરીની બનાવટોની નિકાસની ભરપૂર શકયતાઓ રહેલી છે. ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી આફુસ અને કેસર અને ઉત્તર ભારતમાંથી દશેહરી અને ચૌસા જાતની કેરીની પરદેશમાં નિકાસ કરવામાં આવે છે.
ગુજરાતમાં આંબાનું સૌથી વધુ વાવેતર (લગભગ ર૦ હજાર હેકટર) વલસાડ જીલ્લામાં ત્યારબાદ બીજે ક્રમે જુનાગઢ જીલ્લો આવે છે. આંબા ઉગાડનારા અન્ય મહત્વના જીલ્લાઓમાં સુરત, ભાવનગર, અમરેલી, ખેડા,અને ભરૂચનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની વલસાડી આફુસ, મધ્ય ગુજરાતની રાજાપુરી અને લંગડો અને સૌરાષ્ટ્રની કેસર કેરી ખુબ જ જાણીતી જાતો છે.