ચીકુની રોપણી ૧૦ × ૧૦ મીટરના અંતરે કરવાની ભલામણ છે. પરંતુ ગણદેવી કેન્દ્ર ખાતે ચીકુની કાલીપત્તી જાત ઉપર લેવામાં આવેલ અંતરના અખતરાના પરિણામો દર્શાવે છે કે શરૂઆતના ૧૩ વર્ષ સુધી એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે ઝાડની રોપણી પ × પ મીટરના અંતરે કરવાથી વધુ ઉત્પાદન મળે છે. ૧૩ વર્ષ બાદ પ × પ મીટરના અંતરે વાવેલ ઝાડોમાં ડાળીઓ એકબીજાને અડી જતાં ઝાડ દીઠ ઉત્પાદન ઘટતું જોવા મળેલ. આ ઝાડો ઉપર છાંટણી અને વૃધ્ધિ નિયંત્રક (કલ્ટાર) ના ઉપયોગની કોઈ સાર્થક અસર જોવા મળેલ નથી.
ચીકુની રોપણી કરવા માટે ઉનાળામાં ભલામણ કરેલ અંતરે ૧×૧×૧ મીટરના ખાડા કરવા. ખાડાએાને ૧પ દિવસ તપવા દઈ ખાડા દીઠ ર૦-રપ કિ.ગ્રા. છાણિયું ખાતર માટી સાથે મિશ્ર કરી ખાડા પૂરી દેવા અને વચ્ચોવચ નિશાની કરી રાખવી. ચોમાસામાં સારો વરસાદ થયા બાદ પસંદ કરેલી કલમો નિશાની કરેલ જગ્યાએ રોપવી.