Navsari Agricultural University


ત્રણ ચાર દાયકા અગાઉ ગુજરાત રાજયના જુદા જુદા વિસ્તારમાં આંબાની જુદી જુદી જાતો ઉગાડવામાં આવતી હતી. દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે આફુસનું વાવેતર કરવામાં આવતું હતું. આ ઉપરાંત વાડીઓમાં રાજાપૂરી, તોતાપૂરી, લંગડો, નિલમ, દાડમીયો, કરંજીયો, સરદાર, રૂસ અને મકારામ જેવી જાતોનાં પણ થોડા ઝાડ રોપવામાં આવતા હતા. મધ્ય ગુજરાતમાં લંગડો અને રાજાપૂરી જેવી જાતો ઉપરાંત દેશી જાતોનું વાવેતર કરવામાં આવતું હતું અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેસર અને જમાદાર જેવી જાતોનું વાવેતર કરવામાં આવતુ હતુ. બજારમાં પણ કલમી જાતોની કેરીના ઉંચા ભાવે મોટી માંગ ઉભી થતાં અને અન્ય પાકોની સરખામણીમાં આંબાની ખેતી કરવામાં રહેલ સુગમતાને ધ્યાને લેતાં આપણા રાજયનાં અન્ય વિસ્તારમાં પણ ખેડુતો કેસર જાત તરફ વળ્યા. કેસર જાત ખડતલ, ફળવામાં નિયમિત, ઓછી રોગ-જીવાત ગ્રાહય, કપાસીનો ઉપદ્રવ ન હોવાથી તથા પરદેશમાં તેની ઘણી માંગ હોવાથી આપણાં રાજયનાં જુદા જુદા વિસ્તારમાં કેસર જાતનું મોટા પાયે વાવેતર થયું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક,રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજયોમાં પણ આ જાતનું વાવેતર વિસ્તરી રહયું છે.
જે તે વિસ્તારમાં વાવેતર માટે આબાંની જાત પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવાનાં મુદ્દાઓ:-
(૧) જમીન અને આબોહવા (ર) ફળનો ઉપયોગ અને બજાર ભાવ (૩) એકમ દીઠ વિસ્તારમાં ઉત્પાદન
(૪) રોગ-જીવાતની ગ્રાહયતા (પ) નિકાસની તકો.
ગુજરાતમાં મુખ્યત્વે ઉગાડવામાં આવતી જાતોની માહિતી નીચે પ્રમાણે છે.
આફુસ:- ઝાડ મધ્યમથી મોટુ, જુસ્સાદાર અને સીધુ વધે છે. ઝાડ મોટા થતાં અનિયમિત ફળે છે. ફળ મધ્યમ કદનાં, હ્રદય આકારનાં અને સરેરાશ રપ૦ થી ૩૦૦ ગ્રામ વજનનાં હોય છે. ફળ પાકતાં પીળો રંગ ધારણ કરે છે અને ઉપલા ભાગે નારંગી રંગ પણ જોવા મળે છે. ફળનો ગર્ભ રેસા વગરનો, પ્રમાણમાં કઠણ અને સુગંધીદાર હોય છે. તે કાપીને ખાવા માટે તેમજ રસ માટે ઉત્તમ જાત ગણાય છે. ફળની ટકાઉ શકિત પણ ખૂબજ સારી છે. આ જાતને દક્ષિણ ગુજરાતનું દરિયાકાંઠાનું હવામાન વધુ માફક આવે છે. જો કે આ જાતનાં ફળમાં કપાસીનો ઉપદ્રવ વધુ તેમજ રોગ-જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. તાજી કેરી તથા તેની બનાવટોની પરદેશમાં નિકાસ થાય છે. આ જાતમાં શર્કરા ૧૪.૧ર% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ ૬૦ થી ૭૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.
કેસર:- છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં તેની ફળવામાં નિયમિતતા અને રોપ્યા પછી ત્રીજા-ચોથા વર્ષથી ઉત્પાદન આપવાની ક્ષમતાને લીધે આ જાત ઘણી પ્રચલિત બની છે. આ જાતનું ઝાડ મધ્યમ કદનું અને મધ્યમ જુસ્સાદાર હોય છે. ફળ લંબગોળ અને રપ૦ થી ૩૦૦ ગ્રામના હોય છે. કેરી પાકે ત્યારે પીળો રંગ ધારણ કરે છે અને ખભા પર પ્રમાણમાં જાંબલી રંગનાં છાંટણા હોય છે. ફળનો ગર્ભ રેસા વગરનો, કેસરીયા રંગનો મીઠો પણ આફુસ કરતાં થોડો ઓછો કઠણ હોય છે. આ જાતની કેરી રસ તેમજ કાપીને ખાવા માટે સારી છે તથા ફળની ટકાઉ શકિત પણ પ્રમાણમાં સારી છે. તાજી કેરી તથા વિવિધ બનાવટોની પરદેશમાં નિકાસ થાય છે. આ જાતમાં શર્કરા ૧૩.૭ર% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ ૮૦ થી ૧૦૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.

રાજાપૂરી:- ઝાડ જુસ્સાદાર, વધુ ફેલાવો ધરાવતુ અને મધ્યમથી મોટા કદનું હોય છે. મધ્યમ વહેલી પાકતી અને ફળવામાં નિયમિત જાત છે. ફળ દેખાવે લંબગોળ, મોટા, પપ૦ થી ૬૦૦ ગ્રામ વજનનાં હાય છે. કેરીની છાલ જાડી અને સહેજ બરછટ જે પાકતાં પીળો રંગ ધારણ કરે છે. ફળનો ગર્ભ સહેજ ઓછા ગળપણવાળો અને ઓછો કઠણ હોય છે. ફળની ગુણવત્તા અને સંગ્રહશકિત મધ્યમ છે. આ જાત ખાસ કરીને અથાણાં માટે પસંદ કરવામાં આવે છે પરંતુ તે કાપીને ખાવા તેમજ રસ માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ જાતમાં શર્કરા ૧ર.રપ% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ ૯૦ થી ૧૦૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.
લંગડો:- આ જાત મૂળ ઉત્તર ભારતની છે પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પ્રચલિત છે. ઝાડ મધ્યમ ઉંચા, ઘુમ્મટ આકારનાં અને ફળવામાં અનિયમિત. ફળ મોડા જુન માસમાં તૈયાર થાય છે, ફળ લંબગોળ, રપ૦ થી ૩૦૦ ગ્રામ વજનનાં જે પાકતાં રાખોડીથી આછો પીળો રંગ ધારણ કરે છે. ફળનો ગર્ભ ઘણો મીઠો અને ઓછો કઠણ હોય છે તેથી રસ માટે ઘણી સારી જાત છે. ફળની ટકાઉ શકિત મધ્યમ છે. આ જાતમાં શર્કરા ૧૪.૧૧% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ ૬૦ થી ૭૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.
તોતાપૂરી:- આ જાતનું ઝાડ મધ્યમ જુસ્સાવાળુ, મધ્યમ કદનું અને ફેલાતું હોય છે. ફળવામાં નિયમિત છે પરંતુ ફળ મોડા પાકે છે. ફળ અંડાકાર પરંતુ બંને છેડે અણીદાર અને સરેરાશ ૩૦૦ થી ૪૦૦ ગ્રામ વજનનાં પાકતાં પીળા રંગના થાય છે. ફળનો ગર્ભ રેસા વગરનો કઠણ પણ ફિકકો હોય છે. ફળની ગુણવત્તા મધ્યમ પણ ટકાઉ શકિત સારી છે. આ જાતની કેરી કાપીને ખાવામાં તેમજ મુરબ્બો, ચટણી વગેરે બનાવવામાં તથા પાકા ગર્ભને ડબ્બા બંધી કરી પરદેશમાં નિકાસ માટે થાય છે. આ જાત દક્ષિાણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં જ ખેતી માટે અનુકુળ છે. આ જાતમાં શર્કરા ૧ર.૩૦% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ ૧પ૦ થી ર૦૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.
વશી બદામી:- આ જાતનું ઝાડ ઉચું વધતું, પાતળી ડાળીવાળું, મધ્યમ કદનું હોય છે. ફળનો આકાર લંબગોળ, સરેરાશ વજન રપ૦ થી ૩૦૦ ગ્રામ અને ફળ પર જાંબલી રંગના છાંટણા હોય છે. પાકી કેરી આછા પીળા રંગની હોય છે. ફળનો ગર્ભ નરમ અને પ્રમાણમાં મીઠો હોય છે. ફળની ટકાઉ શકિત મધ્યમ છે. આમ છતાં ફળવામાં નિયમિત અને ઉંચુ ઉત્પાદન આપવાની ક્ષમતાને લીધે આ જાત ગુજરાતનાં જુદા જુદા વિસ્તારમાં વાવેતર કરી ચકાસણી કરવી જોઈએ. આ જાતમાં શર્કરા ૧ર.૬૮% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ ૭૦ થી ૮૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.
દશેરી:- મૂળ ઉત્તર ભારતની જાત છે પણ ગુજરાતમાં હાલમાં કેટલાક વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. ઝાડ મધ્યમ કદનાં, છત્રી આકારનાં અને ઓછા જુસ્સાદાર હોય છે. ફળવામાં નિયમિત અને વધુ પ્રમાણમા ફળ ધારણ કરે છે. ફળ લંબગોળ, અંડાકાર અને સરેરાશ વજન ૧પ૦ થી ર૦૦ ગ્રામ જેટલુ હોય છે. ફળનો ગર્ભ કઠણ, રેસા વગરનો અને ઘણો મીઠો હોય છે. ફળની ટકાઉ શકિત મધ્યમ છે. આ જાત ગુજરાતના હવામાનમાં મે માસના બીજા પખવાડીયામાં તૈયાર થતી હોય મુંબઈ અને દિલ્હીના બજારમાં સારા ભાવ મળી શકે છે. આ જાતમાં શર્કરા ૧૩.૯ર% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ ૧૦૦ થી ૧ર૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.
પાયરી:- આ જાતના ઝાડ ઉંચા અને જુસ્સાદાર થાય છે. આ જાતમાં નાના ફળવાળી(ચિનાઈ) અને મોટા ફળવાળી એમ બે જાતો છે. નાના ફળવાળી પાયરીનાં ફળ રેસાવાળા, ૧૦૦ થી ૧પ૦ ગ્રામ વજન ધરાવતા અને રસલાયક હોય છે. મોટા ફળવાળી પાયરીના ફળ ર૦૦ થી રપ૦ ગ્રામ વજન ધરાવતા, રસાવાળા અને કાપીને ખાવાલાયક હોય છે. આ બંને જાતના ફળનો માવો ઘણો મીઠો અને ઉત્તમ સુગંધ ધરાવે છે. આ જાત ભારે ફળાઉ પણ અનિયમિત હોય છે. હાફુસ કરતાં એક અઠવાડીયું જલ્દી પાકે છે. પાકયા પછી ફળની સંગ્રહશકિત ફકત ત્રણ દિવસ હોય છે ત્યારબાદ ફળ તેનો સ્વાદ ગુમાવી દે છે.
કરંજિયો:- આ જાતના ઝાડ મધ્યમ અને સીધા વધતાં હોય છે. આ જાત જુનના બીજા પખવાડીયામાં પાકે છે. આ જાત બે વર્ષે ફળતી, મધ્યમ ઉત્પાદન આપતી, નીચી સંગ્રહશકિત ધરાવતી, કાપીને ખાવાલાયક તેમજ રસલાયક છે. આ જાતની કાચી કેરીની છાલ સુંવાળી, જાડી અને સેવાળ જેવા લીલા રંગની હોય છે, જે પાકે ત્યારે નિસ્તેજ આછા પીળા રંગમાં ફેરવાય છે. આ જાતનો માવો બંધારણમાં નરમ, ધોળાશ પડતો પીળો અને મીઠો રસદાર હોય છે. ફળ ગોળાકાર અને સરેરાશ ૩પ૦ થી ૭૦૦ ગ્રામ વજનનાં હોય છે.
દાડમીયો:- આ જાતનાં ઝાડ મોટા પરંતુ ધીમે વધતાં હોય છે. આ જાત મધ્યમ નિયમિત, સારી ફળાઉ, જુનનાં બીજા પખવાડીયામાં પાકતી, કાપીને ખાવાલાયક, રસલાયક અને સારી સંગ્રહશકિત ધરાવતી જાત છે. આ જાતની કાચી કેરીની છાલ સુંવાળી, જાડી અને ક્રીમી નારંગી રંગની હોય છે, જે પાકે ત્યારે નારંગી થી પીળા રંગમાં ફેરવાય છે. આ જાતનો માવો ઘટ્ટ, મીઠો નારંગી રંગનો હોય છે અને થોડા પ્રમાણમાં જાડા રેસાવાળો હોય છે. ફળનો આકાર અને રંગ દાડમને મળતો આવતો હોવાથી આ જાતનું નામ દાડમીયો છે. ફળનું સરેરાશ વજન ર૦૦ થી ૪૦૦ ગ્રામ જેટલુ ઓય છે.
સરદાર:- આ જાતના ઝાડ જુસ્સાદાર વૃદ્ધિ અને ફેલાતી ડાળીઓવાળા હોય છે. આ જાત નિયમિત, ભારે ફળાઉ, જુલાઈનાં પ્રથમ અઠવાડીયામાં પાકતી, કાપીને ખાવાલાયક, મધ્યમ સંગ્રહશકિત ધરાવે છે. કાચી કેરીની છાલ ઉંચીનીચી, સુંવાળી સપાટી ધરાવતી અને સેવાળ જેવા લીલા રંગની હોય છે, જે પાકે ત્યારે તામ્રવર્ણમાં ફેરવાય છે. આ જાતનો માવો ઘટ્ટ, મીઠો અને ઓછા રેસાવાળો હોય છે. ફળ ચોરસ ગોળાકાર ર૦૦ થી ૩૦૦ ગ્રામ વજનનાં હોય છે.
આબાંની સંકર જાતો:-
ગુજરાત કૃષિ યુનિવર્સિટી, પરીયા કેન્દ્ર પરથી બહાર પાડવામા આવેલ સંકર જાતો
નિલ્ફાન્સો:- આ જાત નીલમ અને આફુસનાં સંકરણ કરી વિકસાવવામાં આવેલ છે. ઝાડ મધ્યમ વૃદ્ધિવાળું અને લગભગ નિયમિત ફળે છે. ફળ ત્રણથી ચારના ઝુમખામાં હોય છે. ફળનું સરેરાશ વજન ર૦૦ ગ્રામ જેટલું હોય છે. પાકી કેરી આછા પીળા રંગની હોય છે. ફળનો ગર્ભ રેસા વગરનો મીઠો અને સ્વાદમાં આફુસને મળતો આવે છે. ફળની ટકાઉ શકિત સારી છે. આ જાત મોડી જુન-જુલાઈમા પાકે છે. આ જાતમાં શર્કરા ૧૪.પ૮% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ પ૦ થી ૬૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.
નિલેશાન ગુજરાત:- આ જાત નીલમ અને બનેશાનનુ સંકરણ કરીને વિકસાવવામાં આવેલ છે. ઝાડ મધ્યમ વૃદ્ધિવાળુ હોય છે. ફળ મોટું સરેરાશ ૪૦૦ થી પ૦૦ ગ્રામ વજનનું હોય છે. ફળનો ગર્ભ ઘટ્ટ રેસા વગરનો અને થોડી ઓછી મીઠાશ ધરાવતો હોય છે. આ જાતની કેરી કાપીને ખાવા માટે તેમજ રસ માટે સારી છે. આ જાત જુન-જુલાઈ માસમાં પાકે છે. આ જાતમાં શર્કરા ૧ર.૮૪% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ ૬૦ થી ૭૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.
નિલેશ્વરી:- આ જાત નીલમ અને દશેરીનું સંકરણ કરીને વિકસાવવામાં આવેલ છે. ઝાડ નાના કદનું અને ફળવામા નિયમિત હોય છે પરંતુ કેરી પાકવામા ઘણી મોડી છે. ફળ નાનુ લગભગ ૧પ૦ થી ર૦૦ ગ્રામ વજનનું હોય છે.ફળનો ગર્ભ રેસા વગરનો ઘણો મીઠો અને સ્વાદિષ્ટ હોય છે. આ જાત કાપીને ખાવા તેમજ રસ માટે ઉપયોગી છે. આ જાત કીચન ગાર્ડન માટે ઘણી જ સારી છે. આ જાતમાં શર્કરા ૧૩.૮ર% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ ૧૦૦ થી ૧ર૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.
સોનપરી:- આ જાતનું ઝાડ મધ્યમથી મોટા કદનું ગોળાકાર હોય છે. ફળ ધારણ શકિત મધ્યમથી ભારે અને ફળવામાં નિયમિત છે. ફળ મધ્યમથી મોટા કદના અને લગભગ ૩પ૦ થી ૪પ૦ ગ્રામ વજનના હોય છે. કેરી પાકતા ફળની છાલ સોનેરી પીળા રંગની તથા છાલ પર કથ્થઈ કલરના ટપકાં જોવા મળે છે. ફળનો ગર્ભ કઠણ, રેસા વગરનો, મીઠો અને આફુસના સ્વાદને મળતો આવે છે. આ જાત કાપીને ખાવા તથા રસ માટે સારી છે. ફળની ટકાઉ શકિત ખુબ સારી છે. આ જાતમાં શર્કરા ૧૪.૭૪% જેટલા હોય છે. તથા પુખ્ત વયનુ ઝાડ લગભગ પ૦ થી ૬૦ કિલો જેટલુ ઉત્પાદન આપે છે.
આ ઉપરાંત ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા, નવી દિલ્હી તરફથી આમ્રપાલી, મલ્લિકા તેમજ પુસા અરૂણીમા એમ ત્રણ સંકર જાતો બહાર પાડવામાં આવેલ છે.
આમ્રપાલી :-આમ્રપાલીનું ઝાડ મધ્યમ કદનું હોય છે. ફળ મોડા તૈયાર થાય છે પણ ઉત્પાદન ઘણુ જ સારૂ હોય છે. ફળનો ગર્ભ ખૂબ જ મીઠો અને રેસા વગરનો હોય છે. ફળનું કદ ૧પ૦ થી ર૦૦ ગ્રામનું હોય છે. ફળની ટકાઉ શકિત સારી છે. આ જાત ઘનિષ્ઠ વાવેતર માટે પણી જ સારી છે.
મલ્લિકા :- મલ્લિકાનું ઝાડ મધ્યમ કદનું અને નિયમિત ફળે છે. ફળનું કદ ઘણુ જ મોટુ લગભગ પ૦૦ થી ૬૦૦ ગ્રામ સુધીનું હોય છે. ફળનો ગર્ભ કઠણ, રેસા વગરનો અને મીઠો હોય છે પરંતુ ફળ પાકવામાં મોડા હોય છે. આ બન્ને જાતો કાપીને ખાવા માટે તેમજ રસ તરીકે ઉપયોગી છે.


આ ઉપરાંત કોંકણ કૃષિ વિદ્યાપીઠ દાપોલી (મહારાષ્ટ્ર) તરફથી બે સંકર જાતો રત્ના અને સિન્ધુ બહાર પાડવામાં આવેલી છે.
રત્ના:- રત્ના જાતનું ઝાડ મધ્યમ કદનું હોય છે. આ જાતના ફળમાં ઘણી જ વિવિધતા જોવા મળે છે. ફળ બે-ત્રણના ઝુમખામાં બેસે છે અને ફળનું સરેરાશ વજન ૩૦૦ ગ્રામ જેટલુ હોય છે. ફળનો ગર્ભ મીઠાશવાળો અને આફુસના સ્વાદને મળતો આવે છે. ફળ મોડા જુન માસમા તૈયાર થાય છે.
સિન્ધુ:- સિન્ધુ જાતનું ઝાડ પણ મધ્યમ કદનું હોય છે. ફળ નાના અને પાંચ થી છ ના ઝુમખામાં બેસે છે. ફળનું કદ ૧પ૦ થી ર૦૦ ગ્રામ જેટલુ હોય છે અને ખભા પર બદામી રંગના છાંટણા હોય છે. ફળનો માવો મીઠો અને આફુસના સ્વાદને મળતો આવે છે. ગોટલી પ્રમાણમાં ખુબ જ નાની ( પ થી ૧૦ ગ્રામ) હોય છે. ફળ મોડા જુન માસમાં પાકે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.