આંબાની જીવાતો અને સંકલિત નિયંત્રણ :
-------------------------------------
આંબાવાડીમાં વર્ષ દરમ્યાન પાકની જુદી જુદી અવસ્થાએ વિવિઘ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વઘતા-ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આંબામાં નુકશાન કરતી આશરે ૧૮૮ જેટલી જીવાતો નોઘાયેલ છે. જીવાતનો ઉપદ્રવ કેરીના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર ખુબ માઠી અસર પહોંચાડે છે.
૧. આંબાનો મધિયો :
----------------------
માદા કીટક મોરની ડૂંખ તથા ફૂલોની પેશીમાં ઈંડા મૂકે છે. આંબાના મોર તેમજ નવી પીલવણી ફૂટવાની શરૂઆત થાય ત્યારે મધિયાના બચ્ચા અને પુખ્ત કીટકો મોર તેમજ પાનમાંથી રસ ચૂસે છે. કૂમળા ભાગમાં નુકશાન થવાથી ફૂલો અને નાના ફળો ખરી પડે છે. મધિયાના શરીરમાંથી મધ જેવા પદાર્થનું ઝરણ થાય છે. જેથી પાન પર એક જાતની કાળી ફૂગ ઉગી નીકળે છે. આવી ફૂગના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. જેથી કેરી ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે. ચોમાસાની ઋતુમાં પુખ્ત કીટકો સુષુપ્ત રહી છાલની તીરાડોમાં સંતાઈ રહે છે. પાણી ભરાઈ રહેતું હોય તેવી બિનમાવજત વાળી આંબાવાડીમાં આ જીવાત વધૂ જોવા મળે છે.
ર. આંબાની ફળમાખી :
-----------------------
આ જીવાતનો ઉપદ્રવ ફળો પાકવાની શરૂઆત થાય ત્યારે વધુ જોવા મળે છે. માદા કીટક ફળની છાલ નીચે કાણું પાડી ઈંડા મૂકે છે. સમય જતા કાણાંમાંથી રસ ઝરે છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ ફળનો ગર્ભ ખાય છે. આવા ઉપદ્રવીત ફળોમાં કોહવાટ થાય છે અને ફળો જમીન પર ખરી પડે છે. પુખ્ત કીડાઓ ફળમાંથી બહાર આવી જમીનમાં કોશેટા અવસ્થામાં રૂપાંતર પામે છે. મોડી પાકતી કેરીની જાતોમાં ફળમાખીનો ઉપદ્રવ વધૂ જોવા મળે છે.
૩. આંબાનો મેઢ :
---------------------
આ જીવાત થડ કે ડાળીમાં કોરાણ કરી નુકશાન કરે છે. માદા કીટક ઝાડના થડની તીરાડમાં કે ડાળીઓના જોડાણ પાસે એકલ દોકલ ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળતો કીડો છાલમાં થઈ ડાળી કે થડમાં અંદરની તરફ સપાકાર કોરાણ બનાવે છે. આવા પોલાણ થડ પર નીચેથી ઉપરની તરફ જતાં જોવા મળે છે. આવા કોરાણમાંથી લાકડાનો કૂચો બહાર આવતો જોવા મળે છે જે જીવાતની હાજરી સૂચવે છે. વધૂ પ્રમાણમાં નુકશાન થતાં ડાળી કે સંપૂર્ણ ઝાડ મરી જવાની પણ શકયતા રહે છે.
૪. આંબાનો ચીકટો :
-----------------------
જમીનમાં રહેલ ઈંડામાંથી નીકળેલા બચ્ચા ઝાડના થડ પર થઈ ડાળીઓ સુઘી પહોંચી જાય છે. રાતીકીડીઓ બચ્ચાને ઝાડ પર ચઢવામાં આડકતરી રીતે મદદ કરતી હોય છે. બચ્ચા તથા માદા કીટક પાન, ડૂંખ, ફળ અને કુમળી ડાળી પર રસ ચૂસે છે. ફળ પર મીલીબગ્સ લાગવાથી ફળની ગુણવત્તા ઘટે છે.
પ. કેરીના ગોટલાનું ચાંચવું :
-----------------------
માદા કીટક વિકસતા ફળ પર કે ખરી પડવાની તૈયારીમાં હોય તેવા ફળની છાલ નીચે છૂટા છવાયા ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલો કીડો ફળનો ગર્ભ કોરી ગોટલામાં દાખલ થાય છે અને ગોટલાને કોરી ખાય છે. કોશેટા અવસ્થા ગોટલીમાંજ બને છે. પુખ્ત ચાંચવું ગોટલીમાંથી નીકળી પાકા ફળના માવામાં રસ્તો કરી બહાર આવે છે તેથી ફળ ખાવાલાયક રહેતું નથી.
૬. આંબાનો ડૂંખ વેધક :
------------------------
માદા કીટક કૂમળા પાન પર ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ શરૂઆતમાં કુમળા પાનની મધ્ય નશમાં દાખલ થાય છે. ત્યારબાદ ઈયળ કુમળી ડૂંખમાં દાખલ થઈ ઉપરથી નીચેની તરફ કોરાણ કરે છે. નુકસાનવાળી ડૂંખના પાન ચીમળાઈ જાય છે. નવી બાંધેલ કલમોમાં ઉપદ્રવ ગંભીર હોય છે. આંબામાં મોર આવે ત્યારે કુમળા પુષ્પવિન્યાસનો અંદરનો ભાગ ખાઈ જતી હોવાથી મોર સુકાઈ જાય છે.
સંકલિત જીવાત નિયંત્રણ :
-------------------------
૧. આંબાવાડીયામાં અગ્રતાક્રમે સ્વચ્છતા જાળવવી તથા યોગ્ય સમયે છાંટણી કરતા રહેવું.
ર. ઉનાળા દરમ્યાન આંબાવાડીયામાં ઝાડની ફરતે અવારનવાર ખેડ કે ગોડ કરવાથી ચીકટો જીવાતના ઈંડા અને ફળમાખીના કોશેટાનો નાશ કરી શકાય છે.
૩. વાડીમાં ફળમાખીના ઉપદ્રવવાળા ફળો સમયસર વીણી ઉંડા ખાડામાં દાટી નાશ કરવો.
૪. ફળમાખીના નિયંત્રણ માટે ઈથાઈલ આલ્કોહોલ + મિથાઈલ યુજીનોલ + ડીડીવીપીનું ૬:૪:૧ ના મિશ્રણમાં પ્લાયવુડ બ્લોક (પ x પ સેમી) ર૪ કલાક બોળી રાખવા. ત્યારબાદ મિનરલ વોટરની ખાલી બોટલમાંથી બનાવેલ ફળમાખી ટ્રેપમાં મુકવા અથવા નવરોજી ટ્રેપ હેકટરે ૧૦-૧ર ની સંખ્યામાં મુકવા અથવા આંબાવાડીયાની ચારે બાજુ કાળી તુલસી વાવી તેના પર ર૦ દિવસના અંતરે ફેન્થીયોન ૧૦૦ ઈ.સી. ૧૦ મીલી/૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
પ. આંબાનો મધિયો અને ડુંખ વેધકના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. દવા ર.૮ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી મોર નીકળતી વખતે લીંબોળીના બીજનું પ % દ્રાવણ કેરી સોપારી કદની થાય ત્યારે અથવા વઘુ ઉપદ્રવ હોયતો ભલામણ થયેલ સૂચિપત્રનો ઉપયોગ કરવો.
૬. ચોમાસા દરમ્યાન મધિયાના પૂખ્ત તથા ગોટલાનું ચાંચવુ તેની સુષુપ્ત અવસ્થામાં થડ કે ડાળીઓ પર છાલની તીરાડમાં ભરાઈ રહે છે. ઓકટોબર મહિનામાં ઝાડની ડાળીઓ અને થડ પર થાયોડીકાર્બ (ર૦ ગ્રામ/ ૧૦ લી.પાણી)નો છંટકાવ કરવો.
૭. સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં નવી કૂંપળો ફૂટે છે. નવા પાન આવતા થ્રીપ્સ, ડૂંખવેધક, આંબાનો મધિયો અને ગાંઠીયા માખીનો ઉપદ્રવ થાય છે. આ સમયે ફોસ્ફામીડોન ૦.૦૩ % અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૦.૦૩ % પૈકી કોઈપણ એક જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
૮. ડીસેમ્બર-જાન્યુઆરી દરમ્યાન મિથાઈલ પેરાથીયોન ર% ભૂકી ઝાડની ફરતે જમીનમાં ભેળવવાથી ચીકટાના બચ્ચા નાશ પામે છે. આ ઉપરાંત ઝાડના થડની ફરતે જમીનથી એક ફૂટ ઉંચે ગ્રીસનો અથવા પોલીથીન સીટનો ર૦ થી ૩૦ સેમી પહોળો પટૃો કરવાથી ચીકટાના બચ્ચાને ઝાડ પર ચઢતા અટકાવી શકાય છે.
૯. આંબામાં ફળ બેઠા પછી આશરે દોઢ મહિના બાદ ખરી પડેલા બધાજ અપરિપકવ ફળો વીણતા રહેવું અને તેનો નાશ કરવાથી ગોટલાના ચાંચવાનો ઉપદ્રવ ઘટાડી શકાય છે
૧૦. ચીકટાના ઉપદ્રવવાળા આંબા પર એસીટામીપ્રીડ ર ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૧.૬ ગ્રામ અથવા મીથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મીલી ત્ર સર્ફ પાવડર ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૧૧. મેઢ ઉપદ્રવિત ઝાડના થડ કે ડાળીઓમાંથી તાજો વહેર બહાર પડતો દેખાય તો તાર વડે મેઢને મારી નાખવો અથવા ડીડીવીપી દવામાં બોળેલ રૂના પુમડાને કાણાંમાં મુકયા બાદ ભીની માટીથી કાણું બંઘ કરવું વઘુ ઉપદ્રવીત ડાળીઓને કાપી નાંખવી.
૧ર. આંબાના ડૂંખ વેધક ઉપદ્રવિત મોરની ડાળી ઈયળ સહીત કાપીને નાશ કરવી.
૧૩. ઉધઈના નિયંત્રણ માટે સેઢાપાળા કે આંબાવાડિયામાં ઉધઈના રાફડાનો રાણી સહીત નાશ કરવો અને ઝાડના થડ પર માટીની ગેલેરીઓ જોવા મળે તો તેને દુર કરી કલોરપાયરીફોસ ૦.પ%નું દ્રાવણ બનાવી થડ અને ડાળીઓ પલળે તે પ્રમાણે છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે. નવી કલમો રોપતા પહેલા કલોરપાયરીફોસ૩૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી ખાડામાં ચારે તરફ રેડવી અને ત્યારબાદ તેટલું જ મિશ્રણ કલમના સાંધાથી નીચેનો ભાગ પલળે તેમ રેડવું.
૧૪. ગાંઠીયા માખીના નિયંત્રણ માટે ઉપદ્રવિત પાન ભેગા કરી નાશ કરવા અને વઘુ ઉપદ્રવ હોય તો ડીડીવીપી ૭૬ ટકા પ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આંબામાં આવતા રોગો અને સંકલિત નિયંત્રણ :
-----------------------------------------
આંબાના પાકમાં આવતા વિવિઘ રોગોની ઓળખ, નિદાન અને નિયંત્રણ માટે તાંત્રીક માહિતી નીચે મુજબ છે.
૧.આંબાનો ભૂકીછારો :
-----------------------
રોગનાં લક્ષાણો :
આ રોગ સામાન્ય રીતે ડીસેમ્બર-જાન્યુઆરી મહિનામાં જયારે આંબામાં મોર ફુટે તે વખતે જોવા મળે છે. સામાન્ય રીતે આ રોગનો પ્રભાવ આંબાના મોર ઉપર જોવા મળે છે પરંતુ કેટલીક વખતે નવા વિકાસ પામતા પાનની પાછળની બાજુએ રોગનાં લક્ષાણો જોવા મળે છે. આ રોગનાં લક્ષાણો પાનના વચ્ચેનાં ભાગ પૂરતાં સિમીત હોય છે અને આવા પર્ણો વિકૃત અને વળી ગયેલા હોય છે. ભૂકી છારાનું મુખ્ય લક્ષાણ જોઈએ તો સફેદ ભૂકી જેવું આવરણ મોર અને નાના મરવા (કેરી) પર જોવા મળે છે અને અવિકસિત ફળો અને મોર ખરી પડે છે.
રોગનો ફેલાવો :
વાદળીયું હવામાન અને વહેલી સવારે પડતા ઝાકળના લીઘે રોગનો ફેલાવો વઘુ થાય છે. સામાન્ય રીતે મહત્તમ તાપમાન ર૭૦ થી ૩૧૦ સેન્ટીગ્રેડ અને હવામાંનો ભેજ ૮ર થી ૯૧ % હોય ત્યારે આ રોગનો ફેલાવો વધુ થાય છે.
નિયંત્રણ :
રોગગ્રસ્ત પાનો અને વિકૃત પુષ્પગુચ્છો દુર કરવાથી ફુગનાશક દવાના છંટકાવની અસરકારકતા વધે છે. આ રોગની શરૂઆત જણાતા જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર (૧૦ લીટર પાણીમાં ૩૦ ગ્રામ) ત્યારબાદ પંદર દિવસે ડીનોકેપ (૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી) અને ત્રીજો છંટકાવ બીજા છંટકાવના ૧પ દિવસ બાદ ટ્રાયડેમોર્ફ (૧૦ લીટર પાણીમાં પ મીલી) નો કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
ર.આંબાનો કાલવ્રણ:
--------------------
રોગનાં લક્ષાણો :
રોગની શરૂઆત પાન પર ઘણાં નાનાં ગોળ અથવા અનિયમિત આકારનાં બદામી ટપકાંથી થાય છે. ભેજવાળા વાતાવરણમાં આ ટપકાંઓ વિકાસ પામી સુકાઈ જાય છે અને ટપકાંની વચ્ચેનો મૃતપાય ભાગ ખરી જાય છે, જેથી પાનનો દેખાવ કાંણાવાળો જોવા મળે છે. પર્ણ દંડીકાઓ રોગીષ્ટ બને છે ત્યારે તે રાખોડી અથવા કાળા રંગની થઈ જાય છે જેને લીધે આખું પાન સુકાઈ જાય છે. આંબાની ડાળી પર કાળા, લાંબા મૃતપ્રાય વિસ્તારો જોવા મળે છે, જેને લીઘે ડાળી સુકાઈ જાય છે.
આંબાનાં કાલવ્રણ રોગનો ખૂબ વિનાશકારી તબકકો એ છે કે જયારે રોગને લીઘે આંબાનો મોર તથા તેની દાંડી સુકાઈ જાય છે, જેની ઉત્પાદન પર માઠી અસર થાય છે. સાનુકૂળ પરિસ્થિતિમાં રોગને લીઘે મોર અને તેની દાંડીઓ કાળી પડી જાય છે. આંબા પરથી એક થી બે અઠવાડિયામાં જૂના મરવા મોટી સંખ્યામાં ખરી પડે છે.
રોગનો ફેલાવો :
રોગીષ્ઠ પાન, ડાળી અને આંબાનો મોર અસંખ્ય વ્યાઘિજન્ય ફૂગનાં બીજ ઉત્પન્ન કરે છે. આંબાની મંજરીઓ ખીલતી હોય ત્યારે જો વાતાવરણનું તાપમાન રપ૦ સેન્ટીગ્રેડ હોય અને સાથે વરસાદ, ધુમ્મસ અથવા વઘુ પડતું ઝાકળ પડે ત્યારે રોગનો ફેલાવો ઝડપી બને છે અને રોગની તીવ્રતા વઘે છે. નિયંત્રણ :
રોગીષ્ઠ ડાળીઓ, પાન, ફળ, ઝાડ પરથી તેમજ બગીચામાંથી ભેગી કરી નાશ કરવો. તેમજ કોપર ઓકિસકલોરાઈડ (૧૦ લીટર પાણીમાં ૩૦ ગ્રામ) અથવા કાર્બેન્ડેઝીમ (૧૦ લીટર પાણીમાં પ ગ્રામ) અથવા થાયોફેનેટ મિથાઈલ (૧૦ લીટર પાણીમાં પ ગ્રામ) નો આખુ ઝાડ ભીંજાઈ જાય તે રીતે છંટકાવ કરવાથી આ રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.